Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

સરકારને ઘઉં વેચવા માત્ર ૩ ખેડૂતો જ આવ્‍યા! ટેકાના ભાવે ખરીદીનો સંકેલો

૧૦૮૩ર ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવેલઃ બે લાખ મેટ્રીક ટન ખરીદીના સરકારના લક્ષ્યાંક સામે માત્ર પ.૯૦ મેટ્રિક ટન જ ખરીદી થઇ શકીઃ ખુલ્લા બજારમાં વધુ ભાવ

રાજકોટ તા. ૧૧ :.. ગુજરાત સરકાર દ્વારા નાગરીક પુરવઠા નિગમના માધ્‍યમથી ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો પ્રારંભ થયેલ પરંતુ ખેડૂતોના અત્‍યંત નબળા પ્રતિસાદના કારણે ઘઉંની ખરીદી ગણતરીના દિવસોમાં પુરી થઇ ગઇ છે. ગઇ તા. ૪ એપ્રિલથી રાજયવ્‍યાપી ખરીદી શરૂ થયેલ. મહત્તમ ૭પ દિવસ સુધી ખરીદીની કામગીરી ચલાવવાની હતી. પણ અઠવાડીયામાં પૂરી થઇ ગઇ છે.

પુરવઠા નિગમના વર્તુળોના જણાવ્‍યા મુજબ ટેકાથી ઘઉં વેચવા માટે ૧૩૧૭ર ખેડૂતોએ નોંધણી કરાવેલ. જેમાંથી ર૩૧પ નોંધણી સ્‍થગિત કરવામાં આવેલ ૧૦૮પ૭ ખેડૂતોની નોંધણી માન્‍ય રહેલ. તે પૈકી આજે બપોર સુધીમાં લગભગ તમામ ખેડૂતોને ઘઉં લઇને કેન્‍દ્ર પર આવવા મેસેજ મોકલાયેલ. જેમાંથી આજ સુધીમાં માત્ર ૩ ખેડૂતો જ ઘઉં વેચવા આવ્‍યા છે. પુરવઠા નિગમે ૩ ખેડૂતો પાસેથી પ.૯૦ મેટ્રિક ટન ઘઉં ખરીદયા છે. સરકારનો લક્ષ્યાંક ર લાખ મેટ્રિક ટન ઘઉં ખરીદવાના હતો.

સરકારનો ટેકાનો ભાવ મણના રૂા. ૪૦૩ છે. ખુલ્લા બજારમાં ખેડૂતોને રૂા. પ૦૦ ઉપરનો ભાવ સરળતાથી મળી રહ્યો છે ઘઉં જેવી મુખ્‍ય ખેત ઉપજની ટેકાના ભાવની ખરીદીને આટલો નબળો પ્રતિસાદ મળ્‍યો હોય તેવુ પ્રથમ વખત બન્‍યુ છે. ર૬ જિલ્લાઓમાં ખરીદીની વ્‍યવસ્‍થા હતી તે પૈકી મહીસાગરમાંથી ર અને પંચમહાલ જિલ્લામાંથી એક ખેડૂતે ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કર્યુ છે. સમગ્ર સૌરાષ્‍ટ્ર સહિત અન્‍ય કોઇ જિલ્લામાં ટેકાના ભાવની બોણી પણ થઇ નથી.

(12:06 pm IST)