Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

માધવપુરમાં ઉતર-પુર્વ રાજયોના કલાકારોને ગુજરાતી ભોજનમાં ઢોકળા અને છાશનો સ્‍વાદ દાઢે વળગ્‍યો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૧: માધવપુરના લોકમેળામાં કાર્યક્રમ રજુ કરવા આવેલા ઉતર-પુર્વ રાજયોના કલાકારોને ગુજરાતી ભોજનમાં ઢોકળા અને છાશનો સ્‍વાદ દાઢે લાગ્‍યો હતો અને ગુજરાતી ભોજનના ભરપુર વખાણ કર્યા હતા

ભારતના ઉત્તર-પૂર્વિય રાજયોમાં સૌથી વધુ મહત્‍વ ધરાવતા ત્રિપુરાથી  આવેલા દેવાશીષ રિયાંગ કહે છે કે, અમે અગરતલા થી બે હજાર કિલોમીટરથી વધુનો પ્રવાસ કરીને ગુજરાતના પોરબંદર ખાતે ત્રિપુરાનો ખાસ એવો હોઝાગીરી ડાન્‍સના પરફોર્મન્‍સ માટે આવ્‍યા છીએ. ગુજરાતમાં આવ્‍યા બાદ અમને એવું લાગ્‍યુ કે અમારા દ્યરે આવ્‍યા હોય, અમારા આગમનને સમયે પ્રેમ ઉત્‍સાહ અને આનંદની લાગણી ગુજરાતના પોરબંદરવાસીઓએ બતાવી છે તે ક્‍યારેય નહીં જ ભુલાય. ગુજરાત સરકારના રમત ગમત અને યુવા સાંસ્‍કૃતિક વિભાગનો આભાર કે જેમના થકી અમને ગુજરાતમાં આવવા મળ્‍યું, ગુજરાતના ભોજનનો લાભ લેવાનો મોકો મળ્‍યો અને ખાસ કરીને ગુજરાતના લોકોની મીઠાશ અમને ખૂબ  ગમી છે.

ગુજરાતી ભોજનનો સ્‍વાદ ખુબ  સરસ હોય છે. મારી થાળીમાં મુકેલા ઢોકળા ખુબ ઝડપથી ખાઈ ગયો,  પુરી અને મીઠાઈ એ બધું  ભાવ્‍યું. ખાસ કરીને ગુજરાતની છાશનો સ્‍વાદ મને દાઢે લાગ્‍યો છે, તેમ દેવાશીષ રિયાંગે જણાવ્‍યું હતું.

ગુજરાતના માધવપુર ખાતે ભારતના ઉત્તરપૂર્વીય વિસ્‍તારનો છેવાડાના પ્રદેશ એવા અરુણાચલ પ્રદેશના લોકોનું એક ગ્રુપ માધવપુરના મેળા ખાતે પોતાનું ડાન્‍સ પરફોર્મ તથા બુદ્ધિષ્ટ ચાન્‍ટીંગ માટે આવ્‍યું છે. ગ્રુપના લીડર તરીકે તેન્‍જિન્‍ગ ઢુંઢુપ કહે છે કે, તમામ ગુજરાતીઓને મારા જય શ્રી કૃષ્‍ણ....! ગુજરાતના લોકોનો આવકાર, ભોજન અને રહેવાની વ્‍યવસ્‍થા ખૂબ જ સરસ છે. મને એવું લાગે છે કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીનો એક ભારત શ્રેષ્ઠ ભારતનો વિચાર અહીં પોરબંદરમાં સાકાર થઇ રહ્યો છે

નાગાલેન્‍ડથી આવેલી અને તે વિસ્‍તારના પરંપરાગત નૃત્‍ય શેલેપતા નૃત્‍યની નૃત્‍યાંગના એવી ૨૨ વર્ષીય યુવતી લીવીને કહે છે કે, મારો ગુજરાતનો અનુભવ આખી જિંદગી મને કાયમ યાદ રહેશે. જે રીતે હું ગુજરાતના પોરબંદરના રેલવે સ્‍ટેશન પર આવી, મારો આદર સત્‍કાર થયો, તેના પરથી જ ખ્‍યાલ આવી ગયો કે ગુજરાતમાં  સારા દિવસો રહેશે. અમે લોકો ભોજનની બાબતમાં માંસાહારી છીએ પરંતુ ગુજરાતમાં અમને શાકાહારી ભોજનના અનેક વિકલ્‍પો અમને આપવામાં આવ્‍યા જેનો સ્‍વાદ અદભૂત અનુભવ રહ્યો. આદર સત્‍કારમાં ગુજરાત ભારતનું મોરપિચ્‍છ સમાન છે. 

(12:50 pm IST)