Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

માધવપુરનો મેળો સાંસ્‍કૃતિક આધ્‍યાત્‍મિક અને સામાજીક એકતાનું પ્રતીકઃ રામનાથ કોવિંદ

માધવપુરના પ દિવસના પૌરાણિક લોકમેળાને ખુલ્લો મુકતા રાષ્‍ટ્રપતિઃ મેળામાં દરરોજ રાત્રે પુર્વોતર રાજયો અને ગુજરાતની સંસ્‍કૃતિનું મિલન કરાવતા સાંસ્‍કૃતિક કાર્યક્રમો : માધવજી અને રૂક્ષ્મણીજીના મિલનની સૌભાગ્‍યશાળી માધવપુરની ભૂમિઃ રાજયપાલ આચાર્ય દેવવ્રતઃ દ્વારકાના માધવજી અને અરૂણાચલના રૂક્ષ્મણીજીની ભાષા સંસ્‍કૃતિ અલગ છતાં બન્નેએ વિવાહ કરીને માધવપુરની ભુમિને ધન્‍ય બનાવીઃ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ : માધવપુરના ભાતીગળ લોકમેળામાં આજે સાંજે મેઘાલય અને નાગાલેન્‍ડના કલાકારોનો કાર્યક્રમ, પોરબંદરના રાણાભાઇ સીડાની ટીમ દ્વારા મણીયારો રાસ, જુનાગઢના હકુભાઇ જોશી દ્વારા રાસ ગરબા, રાજ બોખીરીયા દ્વારા તલવાર રાસ, ચોરવાડના ભીખાભાઇ વાજા દ્વારા ટીપ્‍પણી રાસ તેમજ રાત્રીના શ્રીકૃષ્‍ણનું વિવાહનું ફુલેકુઃ આવતીકાલે કાર્યક્રમોમાં કૃષ્‍ણ વંદના, નાગાલેન્‍ડ અને સિક્કીમના કલાકારો દ્વારા રાસ કચ્‍છી નૃત્‍ય તથા લોક સાહિત્‍યનો કાર્યક્રમ

 

(પરેશ  પારેખ દ્વારા) પોરબંદર, તા,. ૧૧: વિશ્વ વિખ્‍યાત માધવપુર (ઘેડ)ના પૌરાણિક લોકમેળાનું ઉદઘાટન રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદે કરીને જજ્ઞાવ્‍યું હતું કે માધવપુરનો મેળો દેશની સાંસ્‍કૃતિક આધ્‍યાત્‍મિક અને સામાજીક એકતાનું પ્રતીક છે.

માધવપુરની પવિત્ર ભુમી ઉપરથી રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના પ્રવચનમાં વધુમાં જણાવેલ કે  શ્રીકૃષ્‍ણ અને રુક્‍મિણીજીના લગ્નની લોકકથા દર્શાવે છે કે ભારતની સાંસ્‍કૃતિક એકતા કેટલી પ્રાચીન છે અને આપણી સામાજિક સમરસતાના મૂળિયાં કેટલાં ઊંડાં છે. આજના ઉત્તરપ્રદેશમાં જન્‍મેલા શ્રીકૃષ્‍ણએ ગુજરાતને તેમની કર્મભૂમિ બનાવી અને આપણા દેશના આજના ઉત્તર-પૂર્વ પ્રદેશની રાજકુમારી રુક્‍મિણીજી સાથે લગ્ન કર્યા. લોકમાન્‍યતા પ્રમાણે માધવપુર દ્યેડ ગામની જમીન તેમના મિલનની સાક્ષી રહી છે.

રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે મેળા, તહેવારો અને તીર્થસ્‍થળોએ આપણા વિશાળ દેશને પ્રાચીન સમયથી સામાજિક અને સાંસ્‍કૃતિક એકતાની દોરીથી બાંધી રાખ્‍યો છે.  માધવપુર મેળો ગુજરાતને દેશના ઉત્તરપૂર્વ વિસ્‍તાર સાથે એક અભિન્ન બંધનમાં જોડે છે. આવા કાર્યક્રમો દ્વારા લોકોને અને ખાસ કરીને યુવા પેઢીને આપણા વારસા, સંસ્‍કૃતિ, કલા, હસ્‍તકલા અને પરંપરાગત ભોજન વિશે જ્ઞાન મેળવવાની તક મળે છે.  આવા કાર્યક્રમો પ્રવાસનને પણ પ્રોત્‍સાહન આપે છે.

આ વર્ષે ઉત્તર-પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલયે પણ મોટા પાયે મેળાનું આયોજન કર્યું છે, તે બાબતે રાષ્ટ્રપતિશ્રીએ પોતાની ખુશી વ્‍યક્‍ત કરી. તેમણે કહ્યું કે આ જ દિવસે ઉત્તર-પૂર્વના રાજયોમાં દ્યણા સાંસ્‍કૃતિક ઉત્‍સવોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ તેમણે આશા વ્‍યક્‍ત કરી કે આ મેળો આપણી સાંસ્‍કૃતિક પરંપરાનો વિશેષ ઓળખ આપશે.

રાષ્ટ્રપતિશ્રીએ એ બાબતની નોંધ લીધી કે ગુજરાતના સાહસિક લોકો વિકાસના પંથે કૂચ કરતી વખતે પરંપરા અને આધુનિકતા વચ્‍ચે સંતુલન જાળવી રાખે છે.

રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે માધવપુરનો મેળો તેમજ ગુજરાતના અનેક મંદિરોમાં અને ઉત્તર-પૂર્વ ભારતમાં અનેક સ્‍થળોએ આ પ્રસંગે આયોજિત વિવિધ કાર્યક્રમો એ ભારતની સાંસ્‍કૃતિક, આધ્‍યાત્‍મિક અને સામાજિક એકતાની ઉજવણી છે.  તેમણે ખુશી વ્‍યક્‍ત કરી કે આઝાદી કા અમૃત મહોત્‍સવની સાથે સમગ્ર દેશના લોકોને ભાવનાત્‍મક સ્‍તરે જોડવા માટે આ તહેવાર ઊજવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આઝાદી કા અમૃત મહોત્‍સવ મૂળભૂત રીતે રાષ્ટ્રીય ગૌરવની ભાવનાને મજબૂત કરવાના ઉદ્દેશ્‍ય સાથે ઊજવવામાં આવી રહ્યો છે. અને તે રીતે જોતાં, માધવપુર દ્યેડ મેળા સાથે સંકળાયેલા તમામ તહેવારો પણ ભારતની એકતા અને વિવિધતાને દર્શાવે છે.

માધવપુરના મેળામાં ઉપસ્‍થિત રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્‍યું હતું કે, માધવ નામ શ્રીકૃષ્‍ણનું છે. માધવે લગ્ન માધવપુર દ્યેડમાં કર્યા હતા. લગ્ન સંબંધથી પારિવારિક સંબંધ બને છે. શ્રીકૃષ્‍ણનો જન્‍મ મથુરામાં કાર્યક્ષેત્ર દ્વારકા, પૂર્વોત્તર રાજયમાં લગ્ન કર્યા આમ પરંપરાગત અને સંસ્‍કૃતિક વિરાસત થકી શ્રીકૃષ્‍ણએ ગરીમા અને એકતાની શીખ આપી હતી. સામાજિક - સાંસ્‍કૃતિક સમન્‍વય સાધ્‍યો હતો. તેથી માધવપુરની ભુમિ સૈભાગ્‍યશાળી છે.

રાજયપાલશ્રીએ કૃષ્‍ણ ભગવાનની પણ એક ભારતના શિલ્‍પી હોવાનું ઉદાહરણ પૂરૂ પાડતા જણાવ્‍યું હતું કે, તેમનો જન્‍મ મથુરામાં, કર્મભૂમિ કુરૂક્ષેત્ર, કાર્યક્ષેત્ર દ્વારિકા અને લગ્ન માધવપુર થકી ભારતના વિભિન્ન ભાગને એક સુત્રે જોડેલુ હતું જે આજે મેળા થકી પુજા, સાંસ્‍કૃતિક, આધ્‍યામિક અને ધાર્મિક રીતે જોડાણ થવાં જઇ રહ્યું છે તેમ જણાવ્‍યું હતું.

માધવપુરના લોકમેળામાં મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, રામનવમીના પાવન પર્વ નિમિતે રાષ્ટ્રપતિની ઉપસ્‍થિતિ સમગ્ર રાજય માટે ગૌરવની ક્ષણ છે. માધવપુરનો મેળો એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્‍પનાને સંપૂર્ણ રીતે ચરિતાર્થ કરે છે. કૃષ્‍ણ ભગવાનની પરિણયગાથાની ઉજવણી સ્‍વરૂપે રામનવમીથી તેરસ સુધી માધવપુર ખાતે જનસામાન્‍ય શ્રીકૃષ્‍ણ - રૂક્ષ્મણીના વિવાહમાં ઉત્‍સાહપૂર્વક સામેલ થાય છે. દ્વારકાના માધવજી અને અરૂણાચલના રૂક્ષ્મણીજીની ભાષા સંસ્‍કૃતિ અલગ છતાં બન્નેએ વિવાહ કરીને માધવપુરની ભુમીને ધન્‍ય બનાવી છે.

આ મેળો ગુજરાત અને ઉત્તર પૂર્વીય સાંસ્‍કૃતિક વારસાના એક્‍યનું પ્રતિક છે અને બે સંસ્‍કૃતિનું સંગમ બિંદુ છે. સાંસ્‍કૃતિક - આધ્‍યામિક - ધાર્મિક એકતાની ભાવના સાકાર કરવામાં તથા બે સંસ્‍કૃતિઓના મિલનમાં આ મેળો સિમાચિન્‍હ રૂપ સાબિત થશે એવો આશાવાદ મુખ્‍યમંત્રીશ્રીએ વ્‍યક્‍ત કર્યો હતો અને આ મેળો માણવા વિદેશો પ્રવાસીઓ આવે છે તે બાબત ભારતની એકતા દર્શાવે છે તેમ ઉમેર્યું હતું. ભારતના સાંસ્‍કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન આવા લોક પર્વોના માધ્‍યમથી વિશ્વ સમક્ષ પ્રસ્‍તુત કરવામાં આવશે તેમ પણ મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

રૂક્ષ્મણી - કૃષ્‍ણ વિવાહ પ્રસંગ નિમિતે માધવપુરનો મેળો નોર્થ ઇસ્‍ટને ભારતના મુખ્‍ય પ્રવાહમાં જોડવાનો સન્‍માનનીય પ્રયાસ હોવાનું જણાવી મેદ્યાલયના મુખ્‍યમંત્રીશ્રી કોનરેડ સંગમાએ જણાવ્‍યું હતું કે, આજનો દિવસ ઇસ્‍ટ અને વેસ્‍ટના મિલનનો દિવસ છે.  ભારતમાં નોર્થ ઇસ્‍ટ વેસ્‍ટ સાઉથમાં વિભિન્ન સંસ્‍કૃતિ હોવા છતાં ભાઇચારા સાથે દેશ આગળ વધી રહ્યો હોવાનું તેઓએ ગૌરવ સાથે જણાવ્‍યું હતું.

સિક્કિમ રાજયના મુખ્‍યમંત્રી પ્રેમસિંદ્ય તમાંગએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્‍યું હતું કે, મહાત્‍મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, મોરારજીભાઇ દેશાઇ જેવા મહાપુરૂષોની ગુજરાતની પાવનભૂમિ પર આવીને ધન્‍યતા અનુભવુ છુ. આપણો દેશ જયારે આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે.

લોકમેળામાં સ્‍વાગત પ્રવચન રમતગમત અને સાંસ્‍કૃતિક વિભાગના મંત્રીશ્રી હર્ષ સંદ્યવીએ કર્યું હતું અને જણાવ્‍યું હતું કે, માધવપુર દ્યેડની પાવન ધરતીમાં સામાજિક અને સાંસ્‍કૃતિક સમન્‍વય થઇ રહ્યો છે. રૂક્ષ્મણીજી અરૂણાચલ પ્રદેશના હતા. ગુજરાત  ભાઇચારા અને એકતામાં વિશ્વાસ રાખે છે.

રાષ્ટ્રપતિના આગમન સમયે બેન્‍ડની સુરવલીઓ દ્વારા રાષ્ટ્રગીત વગાડવામાં આવ્‍યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે દીપ પ્રાગટ્‍યથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો.  મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે રાષ્ટ્રપતિશ્રીનું પુષ્‍પગુચ્‍છ તથા સ્‍મૃતિચિન્‍હથી સ્‍વાગત કર્યા બાદ તમામ આમંત્રિતોનું પુષ્‍પગુચ્‍છ તથા સ્‍મૃતિચિન્‍હ આપી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. માધવપુર મેળાનું ઐતિહાસિક મહત્‍વ દર્શાવતી ડોકયુમેન્‍ટ્રી ફિલ્‍મનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું.  રાષ્ટ્રપતિશ્રી  રામનાથ કોવિંદ તથા ઉપસ્‍થિત સર્વે મહાનુભાવોએ રંગારંગ સાંસ્‍કૃતિક કાર્યક્રમ રસપૂર્વક નિહાળ્‍યો હતો.

આ કાર્યક્રમમાં સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના કેન્‍દ્રિય રાજયમંત્રી પ્રતિમા ભૌમિક, ગુજરાતના વાહનવ્‍યવહાર રાજયમંત્રી અરવિંદ રૈયાણી, મુખ્‍ય સચિવ પંકજકુમાર, રમત ગમત અને યુવા વિભાગોના સચિવશ્ર અશ્વિની કુમાર, લેડી પ્રેસીડેન્‍ટ શ્રીમતિ સવિતા કોવિંદ, લેડી ગવર્નર શ્રીમતિ દર્શના આચાર્ય, કલેકટર અશોક શર્મા, જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક રવી મોહન સૈની, ધારાસભ્‍યો, સંસદસભ્‍યો તથા બહોળી સંખ્‍યામાં ભાવિકજનો ઉપસ્‍થિત રહ્યાં હતા.

માધવપુરના મેળામાં આજે તા.૧૧ના રોજ સાંજે મેઘાલય, નાગાલેન્‍ડના કલાકારો દ્વારા કાર્યક્રમ રજુ કરાશે. ઉપરાંત પોરબંદરના રાણાભાઈ સીડાની ટીમ દ્વારા મહેર મણિયારો રાસ, જૂનાગઢના હકુભાઇ જોશી દ્રારા રાસ ગરબા, રાજ બોખીરિયા દ્વારા તલવાર રાસ તથા ચોરવાડના ભીખાભાઈ વાજા દ્વારા ટીપ્‍પણી રાસ રજુ કરાશે અને સાહિત્‍યકાર આદિત્‍ય ગઢવી દ્વારા શ્રીકૃષ્‍ણને લગતું લોક સાહિત્‍ય પીરસવામાં આવશે.

તા.૧૨ના રોજ સાંજે ભાવનગરની વિનિતા ઝાલા દ્વારા કૃષ્‍ણ વંદના,નાગાલેન્‍ડ, સિક્કિમના કલાકારો દ્વારા રાસ, કચ્‍છના ચિન્‍મય ભટ્ટ દ્વારા કચ્‍છી નૃત્‍ય, દ્વારકાના ઝાંઝરી ગ્રુપ દ્વારા રાસ, પોરબંદરના સંસ્‍કૃતિ પરફોર્મિંગ આર્ટસના હરેશ મઢવી તથા તેના ગ્રુપ દ્વારા રાસ તથા સાઈરામ દવે દ્વારા લોક સાહિત્‍યનો રસ પીરસવામાં આવશે.

તા. ૧૩ ના સાંજે ત્રિપુરાના કલાકારો દ્વારા નૃત્‍ય, બોટાદના જયપાલસિંહ ઝાલા દ્વારા મિશ્ર રાસ, મણિપુરના કલાકારો દ્વારા રાસ અને આસામના કલાકારો દ્વારા બિહુ નૃત્‍ય રજુ કરવામાં આવશે. જયારે ચોરવાડના પ્રવીણભાઈ વાઢેર દ્વારા ટિપ્‍પણી રાસ, પોરબંદરના કામદાર કલ્‍યાણ કેન્‍દ્ર દ્રારા ગરબા, લીલાભાઇ રાણાવાયા દ્વારા મણિયારો રાસ ઉપરાંત સચિન લીમયે અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા સાંગીતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે.

(12:58 pm IST)