Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

વિશ્વની સૌથી મોટી હસ્‍તપ્રત તરીકે ‘શિક્ષાપત્રી'ને ૩ આંતરરાષ્‍ટ્રીય એવોર્ડ : વડતાલ મ્‍યુઝિયમને અર્પણ

૧૨૦ કિલો વજન, ૮ ફુટ પહોળાઇ અને ૫.૫ ફુટ ઉંચાઇ

કુંડલધામવાળા શ્રી જ્ઞાનજીવનદાસજી સ્‍વામીની પ્રેરણાથી તૈયાર થયેલ શિક્ષાપત્રી વડતાલમાં નિર્માણાધીન મ્‍યુઝિયમ માટે અર્પણ કરાયેલ છે. સ્‍વામીજીને સંતોના હસ્‍તે આ અંગેનું પ્રમાણપત્ર અર્પણ કરાયેલ તે પ્રસંગની તસ્‍વીર.
વડતાલ તા. ૧૧ : વિશ્વની સૌથી મોટી હસ્‍તપ્રત તરીકે ભગવાન શ્રીસ્‍વામિનારાયણ રચિત શિક્ષાપત્રીને ગિનિસ વર્લ્‍ડ રેકોર્ડસ્‌, એશિયા બુક ઓફ રેકોર્ડસ્‌ અને ઈન્‍ડિયા બુક ઓફ રેકોર્ડસ્‌, આ ત્રણ એવોર્ડ એનાયત કરાયા છે.
આ સચિત્ર શિક્ષાપત્રીમાં ર૧૨ શ્‍લોક, કુલ ૨૨૪ હસ્‍તલિખિત પેજ છે. આ હસ્‍તપ્રતનું લેખન તથા ચિત્રકામ કુંડળધામના ૧૫૦ જેટલાં હરિભક્‍તોએ માત્ર ૨૪ કલાકમાં પૂર્ણ કર્યું હતું તથા બાઈન્‍ડીંગ માત્ર ૧૦ કલાકમાં કરવામાં આવ્‍યું હતું. આજથી ૧૯૬ વર્ષ પહેલા વડતાલધામે બિરાજી સ્‍વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રી લખી હતી. તેથી પૂજય સ્‍વામીજીએ શિક્ષાપત્રીની પ્રાગટ્‍ય ભૂમિ એવા વડતાલધામને અર્પણ કરી છે.
કુંડળધામ દ્વારા પરમ પૂ. શ્રીજ્ઞાનજીવનદાસજી સ્‍વામીની પ્રેરણાથી તૈયાર કરાયેલી આ હસ્‍તપ્રત શિક્ષાપત્રી વડતાલધામ ખાતે તૈયાર થઈ રહેલા શ્રી સ્‍વામિનારાયણ ભગવાનની પ્રસાદીભૂત વસ્‍તુઓના ભવ્‍ય મ્‍યુઝિયમના ખાતમુહૂર્ત પ્રસંગે તેનું લોકાર્પણ તથા વડતાલધામને અર્પણ કરવામાં આવી છે. આ શિક્ષાપત્રીનો હેતુ માનવજાત અને ભક્‍તોના કલ્‍યાણ માટે ભગવાન શ્રીસ્‍વામિનારાયણના આશીર્વાદ અને આજ્ઞાઓનો લાભ પ્રાપ્ત થાય તેવો છે. દુનિયાની પ્રત્‍યેક વ્‍યક્‍તિ સુધી આ દિવ્‍ય સંદેશાઓ પહોંચે એવા માનવકલ્‍યાણના ઉમદા હેતુ સાથેની આ શિક્ષાપત્રીના તમામ ૨૨૪ પાનાઓ શરૂઆતથી અંત સુધી હસ્‍તલિખિત છે. તમામ ચિત્રો પણ હાથથી જ તૈયાર કરાયા છે. ક્‍યાંય પ્રિન્‍ટીંગ કરાયું નથી.
૧૯૬ વર્ષ પહેલા વડતાલધામમાં રહીને ભગવાન શ્રીસ્‍વામિનારાયણે ૨૧૨ શ્‍લોકની આ શિક્ષાપત્રીની રચના મૂળ સંસ્‍કૃત ભાષામાં કરી હતી. જેને હાલ સંસ્‍કૃત, હિન્‍દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મોટા કદમાં તૈયાર કરવામાં આવી છે તે આઠ કૂટ પહોળી, સાડા પાંચ ફૂટ ઉંચી તથા ૧૨૦ કિલો વજનની છે.
અત્રે નોંધપાત્ર બાબત એ છે કે, ગિનિસ વર્લ્‍ડ રેકોર્ડસની વેબસાઈટમાં એવી ખાસ નોંધ કરાઈ છે કે સ્‍વામિનારાયણ સંપ્રદાયના કરોડો હરિભક્‍તો આ શિક્ષાપત્રીને તેમની પ્રાતઃ પૂજામાં રાખી નિત્‍ય પઠન કરે છે.
જેનાથી કરોડો મોક્ષભાગી જીવાત્‍માઓ સદાચાર એવં ભગવત પ્રાપ્તિના માર્ગે આ લોક પરલોકનું શ્રેય પ્રાપ્ત કરે છે. ત્‍યારે વડતાલમાં અર્પણ કરાયેલ આ સચિત્ર શિક્ષાપત્રી કરોડો મુમુક્ષુઓ માટે એક અનોખું દિવ્‍યદર્શનનું સંભારણું બની રહેશે.
આ પ્રસંગે પૂજય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્‍વામીને વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રીરાકેશપ્રસાદજી મહારાજ તથા સંતોની નિશ્રામાં વરિષ્ઠ સંતોના હસ્‍તે સર્ટીફીકેટ તથા મેડલ પણ અર્પણ કરવામાં આવ્‍યા હતા તેમ શ્રી અલૌકિક સ્‍વામી જણાવે છે.(

 

(2:29 pm IST)