Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ગાંધીનગર શહેરના મહિલા પ્રોફેસરની નેધરલેન્‍ડની NGO સંસ્‍થા દ્વારા બાઈસીકલ મેયર તરીકે નિયુક્‍તિ

રાજકોટ તા. ૧૧ : મૂળ રાજકોટ ના અને આત્‍મીય યુનિ. માં પ્રોફેસર રહી ચૂકેલા, હાલ માં ગાંધીનગર ખાતે કાર્યરત અને ઘણા વર્ષોથી સાઇકલ ચલાવી લોકોને પ્રેરિત કરતા અનુભવી સાયકલિસ્‍ટ અને અલ્‍ટ્રા રનર ડો. જિજ્ઞાસા ત્રિકમલાલ ઠુંમર ને એમ્‍સ્‍ટરડેમ, નેધરલેન્‍ડની એનજીઓ- બાઈસીકલ મેયર નેટવર્ક ઓર્ગેનાઇઝેશન (BYCS) એ ગાંધીનગર શહેર ના બાઈસીકલ મેયર તરીકે નિયુક્‍ત કર્યા છે. BYCS એ દુનિયાભરના ૧૨૦ થી વધુ શહેરોમાં બાઈસીકલ મેયર નિયુક્‍ત કર્યા છે, જેમાં દેશના ઘણા મોટા શહેરો પણ શામેલ છે. BYCS નું લક્ષ્ય વર્ષ ૨૦૫૦ સુધીમાં સામાન્‍ય વાહન વ્‍યવ્‍હાર સાઈકલ પર શિફટ કરવાનું છે. ડો. ઠુંમર નાં જણાવ્‍યા મુજબ તેમનો ઉદ્દેશ્‍ય શાળા -કોલેજ કેમ્‍પસ, ખાનગી કોર્પોરેટ ઓફિસો અને સરકારી ઓફિસોમાં સાયકલ દ્વારા મુસાફરીને પ્રોત્‍સાહિત કરવા ની સાથે રાજય નાં હરીયાળા પાટનગર ગાંધીનગર ને સાઈકલ નાં  માધ્‍યમ થી પ્રદૂષણ મુક્‍ત કરી સ્‍વસ્‍થ શહેરના નિર્માણ કરવાનો છે.
૪૨ વર્ષીય ડો. જિજ્ઞાસા ઠુંમર શહેરની નામાંકિત સરકારી વિજ્ઞાન કોલેજ (સેક્‍ટર- 15, ગાંધીનગર) માં માઇક્રોબાયોલોજી વિષયના પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેઓએ અત્‍યાર સુધીમાં લાંબા અંતરની આંતરરાષ્ટ્રીય કક્ષાની સાયકલિંગ ઇવેન્‍ટસ માં ભાગ લીધો છે, જેમાં 150 થી 200 કિલોમીટર સુધીના અંતર શામેલ છે. આ ઉપરાંત તેઓએ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાની ઘણી બધી મેરેથોન દોડમાં ભાગ લેવાની સાથે, તાજેતરમાં 72 કિલોમીટરની ULTRA મેરેથોન સતત ૧૨ કલાક દોડીને પૂર્ણ કરેલ છે. અમદાવાદ ડીસ્‍ટન્‍સ રનર્સ ગ્રુપના ગાંધીનગર પ્રકરણ સાથે જોડાયેલા ડો. ઠુંમર શહેરમાં મહિલા ઓને સાયકલીંગ કરવા પ્રોત્‍સાહિત કરવાના ઉદ્દેશ સાથે સાયકલ સેફટી પર કામ કરવા માંગે છે.

 

(2:32 pm IST)