Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ગૌ ઉત્‍પાદનો ખરેખર કેટલા ફાયદાકારક??

ભારતીય પંચગવ્‍ય ઉપર નેશનલ ફોરેન્‍સીક સાયન્‍સ યુનિવર્સિટી કરશે પ્રોજેકટ

અમદાવાદઃ ગાયનું દુધ અને દેશી ગાયની અન્‍ય પ્રોડકટોમાં રહેલા ઔષધીય અને આરોગ્‍ય વિષયક ફાયદાના કારણે તેના ભાવો વધારે રહે છે. પણ બજારમાં વેચાતા ગાયના દૂધ અને અન્‍ય ઉત્‍પાદનોમાં ખરેખર દેશી ગાયના ઉત્‍પાદનો કેટલા છે?

નેશનલ ફોરેન્‍સીક સાયન્‍સીઝ યુનિવર્સિટી (એનએફએસયુ)ને બજારમાં વેચાતા ગૌ ઉત્‍પાદનો માટેના માપદંડ નક્કી કરવા માટે એક પ્રોજેકટ સોંપવામાં આવ્‍યો છે.

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા રીસર્ચ ઓગ્‍મેન્‍ટેશન - પ્રાઇમ પ્રોડકટસ ફ્રોમ ઇન્‍ડીજીનીયસ કાઉસ (એસયુટીઆરએ- પીઆઇસી) નામના આ પ્રોજેકટને ફંડ આપવામાં આવશે. ત્રણ વર્ષનો આ પ્રોજેકટ ગીર - કાંકરેજી નામની ભારતીય ગાયો જે ૯૦ ટકા શુધ્‍ધ જીન ધરાવે તેનો અભ્‍યાસ કરશે.

એનએફએસયુના સીનીયર આસીસટન્‍ટ પ્રોફેસર જયરાજસિંહ સરવૈયાએ કહ્યું કે આ રીસર્ચ મુખ્‍યત્‍વે ભારતીય પરંપરા અને આયુર્વેદમાં વપરાતા પંચગવ્‍ય (ગૌમુખ, ગાયનું દૂધ, છાણ, ગાયનું ઘી અને ગાયના દહીં) પર કરવામાં આવશે.

પ્રો.સરવૈયાએ કહ્યું, ‘અભ્‍યાસનું ફોકસ ત્રણ માર્કર-જીનેટીક માર્કર, બાયો માર્કર અને કેમો માર્કર પર રહેશે. તેના દ્વારા આપણને ગાય તથા અન્‍ય પ્રાણીઓના દુધ તથા ભારતીય દેશી ગાયો અને અન્‍ય નસલની ગાયોના દુધ વચ્‍ચેનો ફરક પણ જાણવા મળશે.'

રિસર્ચરોએ કહ્યું કે તેમનું પહેલું મુખ્‍ય ધ્‍યેય ભારતીય ગાયોની શુધ્‍ધ નસલની ઓળખ કરવાનું રહેશે. જેના નમુનાઓના આધારે માપદંડો નક્કી કરી શકાશે.

(3:11 pm IST)