Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

અમદાવાદ કેમ્‍પ હનુમાન મંદિર ખસેડવાનો મામલો ફરી ચર્ચામાં: રિવર ફ્રન્‍ટ ખાતે મંદિર લઇ જવા અંગે કાર્યવાહીઃ હનુમાન જયંતિ ઉત્‍સવ ઉજવાશે

16મીએ સુંદરકાંડના પાઠ, મારૂતિ યજ્ઞ, ધ્‍વજારોહણ કાર્યક્રમ

અમદાવાદ: અમદાવાદ કેમ્પ હનુમાન મંદિર ખસેડવાનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આર્મી દ્વારા સુરક્ષાના કારણોસર ક્યારેક ગેટ બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે ભક્તો દર્શન કરી શકતા નથી અને પરેશાન થાય છે. જેના કારણે આર્મીની સુરક્ષા જળવાય અને ભક્તો 24 કલાક દર્શન કરી શકે તે માટે મંદિર ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

રિવરફ્રન્ટ પર સુરેન્દ્ર પટેલે દ્વારા જગ્યા નક્કી કરવામાં આવી છે. હવે રિવર ફ્રન્ટ પર જ મંદિર લઈ જવામાં આવશે. મંદિર તરફથી કાગળ લખીને આર્મીને આપવામાં આવ્યો છે. આર્મીએ આગળ પણ ફોરવર્ડ કર્યો છે. રાજ્ય સરકાર, AMC, આર્મી તથા કેન્દ્ર સરકાર તરફથી પરવાનગી મળ્યા બાદ જ અમદાવાદ કેમ્પ હનુમાન મંદિર ખસેડવામાં આવશે.

પ્રસાદનો વિવાદ:-

કેમ્પ હનુમાન મંદિરમાં પ્રસાદ અત્યાર સુધી મંદિરના પૂજારીઓ દ્વારા વહેંચવામાં આવતો હતો. કોરોનાને કારણે દોઢ વર્ષ પ્રસાદ વિતરણ બંધ હતું. પરંતુ કોરોના મહામારી રાજ્યમાં ઓછી થયા બાદ છેલ્લા 6 મહિનાથી પ્રસાદ વિતરણનું કામ ટ્રસ્ટી મંડળે લીધું છે. 2 વર્ષ પ્રસાદ વિતરણ સંપૂર્ણ બંધ રહ્યું હતું. કહેવાઈ રહ્યું છે કે હનુમાન જયંતી બાદ ટ્રસ્ટીઓની બેઠક મળશે, જે બાદ ફરીથી પ્રસાદ વિતરણ શરૂ થશે.

હનુમાનજી જન્મોત્સનું વિશેષ આયોજન

નોંધનીય છે કે, કેમ્પ હનુમાન દ્વારા હનુમાનજી જન્મોત્સનું વિશેષ આયોજન કર્યું. 15 એપ્રિલના સવારે 8 કલાકે હનુમાન યાત્રા નીકળશે. યાત્રા દરમિયાન 12 હજાર પેકેટ પ્રસાદનું વિતરણ કરાશે.16 એપ્રિલના હનુમાન જયંતિની ઉજવણી કરાશે. 16 એપ્રિલના સવારે સુંદરકાંડના પાઠ કરાશે. બુંદીના પ્રસાદનું નવ ગ્રહ બનાવવામાં આવશે. મારૂતિ યજ્ઞ કરાશે અને ધ્વજા રોહણ પણ કરાશે.

મંદિરને રિવરફ્રંટ પર ખસેડવાની હિલચાલથી ભક્તોમાં રોષ

250 વર્ષ જૂના કેમ્પ હનુમાન મંદિરના ટ્રસ્ટીઓએ મંદિરને રિવરફ્રંટ પર ખસેડવાનો નિર્ણય લેતા ભક્તો દ્વારા તેની સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.

1945થી કેન્ટોન્મેન્ટ પાસે લીઝ પર લેવામાં આવી છે મંદિરની જમીન

મંદિરની જમીન 1945થી કેન્ટોન્મેન્ટ પાસે લીઝ પર લેવામાં આવી છે. દર 20 વર્ષે લીઝ રિન્યૂ થાય છે, એક વર્ષનું ભાડું 34 હજાર રુપિયા છે. મંદિર આર્મીના વિસ્તારમાં આવેલું હોવાથી સુરક્ષાના કારણોસર ટ્રસ્ટીઓ તેને બીજી જગ્યાએ શિફ્ટ કરવા તૈયાર થયા હતા, જોકે તે વખતે પૂજારીઓએ તેનો વિરોધ કર્યો હતો. તેમણે ટ્રસ્ટીઓને પત્ર લખી પોતાના નિર્ણય પર ફેરવિચારણા કરવા પણ અપીલ કરી હતી.

બ્રિટિશ કાળમાં પણ મંદિરને હટાવવાનો થયો હતો પ્રયાસ

આ જગ્યા પર હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા છે. બ્રિટિશ કાળમાં પણ તેમને અહીંથી હટાવવાનો પ્રયાસ થયો હતો, પરંતુ તેને અટકાવવા માટે ભગવાને મધમાખીની સેના મોકલી હતી. પૂજારીઓનો એવો પણ દાવો છે કે તેમને ઘણીવાર આરતી કરતી વખતે ભગવાનની હાજરીનો અહેસાસ થયો છે, તેવામાં આ મૂર્તિને અહીંથી હટાવવામાં ના આવે.

(4:52 pm IST)