Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

સુરતમાં પાલિકા તંત્ર દ્વારા તમામ ઝોનમાં 50 બેડની હોસ્‍પિટલો ઉભી કરાશેઃ કાયમી તબીબો, કર્મચારીઓની નિમણુંક કરવા નિર્ણય

આઉટસોર્સ સહિત વિવિધ કેડરો મળી 64 જગ્‍યાઓની આવશ્‍યકતા

સુરત: સુરત મ્યુનિ.ના હદ વિસ્તરણ સાથે વિસ્તાર અને વસ્તી વધતાં સુરતીઓને તેમના ઘર નજીક આરોગ્ય લક્ષી સુવિધા મળી રહે તે માટે પાલિકાએ દરેક ઝોનમાં 50 બ્રેડની એક હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી છે. તેના માટે જરૂરી મેડિકલ, નોન-મેડીકલ સ્ટાફ તથા અન્ય કર્મચારીઓની જગ્યા ઊભી કરવાની જરૂર પડશે. આ માટે મધ્યસ્થ મહેકમ વિભાગે 50 બેડની એક હોસ્પિટલ કાર્યરત કરવા કાયમી કરારીય આઉટસોર્સ વિવિધ કેડરો મળી કુલ 64 જગ્યાઓની આવશ્યક્તા હોવાનો રીપોર્ટ કર્યો છે.

હાલ રાજ્ય સરકાર દ્વારા 30 બેડની હોસ્પિટલો માટે વિવિધ કેડરો મળી કુલ 21 જગ્યાઓ હાલ શિડ્યૂલ્ડ પર ઉપસ્થિત કરવામાં આવી છે. પાલિકા દ્વારા તમામ ઝોનમાં 50 બેડની હોસ્પિટલ ઊભી કરવાની હોવાથી હોસ્પિટલ દીઠ બે જુનિયર મેડિકલ ઓફિસર, એક ઇન્ચાર્જ સિસ્ટર, એક ત્રીજી શ્રેણી ક્લર્ક મળી કુલ 04 જગ્યાઓ મધ્યસ્થ મહેકમ વિભાગના મહેકમ શીડ્યુલ્ડ પર કાયમી ધોરણે ઉપસ્થિત કરવાની ભલામણ કરી છે.

તદ્ઉપરાંત, જનરલ સર્જન, જનરલ ફિઝિશિયન, ડેન્ટિસ્ટ, સ્ટાફ નર્સ, લેબ ટેકનિશિયન, ફાર્માસીસ્ટની જગ્યા આઉટ સોર્સિંગથી ભરવા અને હોસ્પિટલ દિઠ ત્રણ પટાવાળા, ચાર આયા, પાંચ વોર્ડબોય, બે વોચમેન અને 09 સફાઇ કામદારો કોન્ટ્રાક્ટ ધોરણે રાખવા માટે ભલામણ કરી છે. વિભાગ દ્વારા 50 બેડની હોસ્પિટલો માટે જરૂરી મહેકમ શિડ્યુલ્ડ ઊભું કરવા તથા અન્ય મેડિકલ તથા નોન-મેડિકલ સ્ટાફની આઉટ સોસિંગ કોન્ટ્રાક્ટ ધોરણે ભરતી કરવા હેતુ સ્થાયી સમિતિની મંજૂરી માગી છે.

મહેકમ શિડ્યુલ્ડ બાબતે સ્પષ્ટતા થયેથી વિભાગ દ્વારા આગામી મહિનેથી જ કમ સે કમ બે હેલ્થ સેન્ટરોમાં ૫૦-૫૦ બેડની હોસ્પિટલો શરૂ કરી શકે તેમ છે. આ ભરતી માટે આગામી સ્થાયી સમિતિમાં મંજુરી માટે દરખાસ્ત મુકવામાં આવી છે તેના પર નિર્ણય કરાશે.

(4:53 pm IST)