Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

સુરતની નવી સિવિલ હોસ્‍પિટલમાં અમરનાથ જતા યાત્રાળુઓની ફિટનેશ સર્ટિફિકેટ માટે લાઇનોઃ વહેલી સવારથી ધસારો જોવા મળ્‍યો

ડોક્‍યુમેન્‍ટ વેરિફિકેશન બાદ મેડિકલ ચેકઅપની કામગીરી

સુરત: કોરોના મહામારી દરમિયાનથી આપણે રાજ્યમાં ઘણી બધી વખત લોકો લાઈનો ઉભા રહ્યા હોય તેવા દ્રશ્ય આપણી સામે આવી ચૂક્યા છે. હવે ફરી એકવાર સુરત નવી સિવિલિ હોસ્પિટલમાં અમરનાથ જવા માંગતા યાત્રીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. અમરનાથ યાત્રા જવા ઇચ્છતા યાત્રાળુઓએ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા માટે સુરત સિવિલ હોસ્પિટલમાં લાંબી લાઈનો લગાવી છે. ત્યારે લોકોના પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. ડોક્ટરોની વિવિધ પડતર પ્રશ્નોને લઈને 5 દિવસ સુધી સર્ટી આપવાનું બંધ હતું. પરંતુ હવે ફરી શરૂ થતા આજે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લોકોનો ઘસારો જોવા મળ્યો છે.

મોટી સંખ્યામાં અમરનાથ જતા યાત્રાળુઓન ફિટનેશ સર્ટિફિકેટની જરૂર પડે છે, ત્યારે સર્ટિફિકેટ લોકોને સરળતાથી મળી જાય તેના માટે શહેરની નવી હોસ્પિટલ ખાતે વ્યવસ્થા કરાઈ છે. જેમાં લોકો વહેલી સવારથી બારીઓ પર લાંબી લાઈનો લગાવીને ઉભા રહી જાય છે. પરંતુ અહીં પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. લોકોને ડોક્યુમેન્ટ ભેગા કરી વેરિફિકેશન કર્યા બાદ તેમનું મેડિકલ ચેક કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી આજથી ફરી શરૂ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા બે વર્ષથી કોરોનાકાળ ચાલી રહ્યો હતો. આ અમરનાથ યાત્રા બંધ રાખવામાં આવી હતી. કોરોનાનો કહેર ઓછો થતાની સાથે જ ભારત સરકાર દ્વારા અમરનાથ યાત્રા શરૂ કરવા માટેનો નિર્ણય લેવાયો છે. જેથી શ્રદ્ધાળુઓમા ખુશીની લાગણી જોવા મળી રહી છે. અમરનાથ યાત્રાની અંદર જોડાવા માગતા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ હોવું જરૂરી હોય છે. ત્યારે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા નવી સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં એક અંદાજ પ્રમાણે દર વર્ષે 5 થી 7 હજાર યાત્રાળુઓ આ અમરનાથ યાત્રામાં ભાગ લેતા હોય છે. છેલ્લા બે વર્ષથી આ યાત્રા બંધ હતી તો આ વર્ષે યાત્રાળુઓની સંખ્યા વધી શકે તેવી સંભાવના છે.

(4:55 pm IST)