Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

મને અપશબ્‍દો કહેનારને સજા મળશેઃ કાંકરેજના તેરવાડા ખાટલા બેઠકમાં અલ્‍પેશ ઠાકોરનો આકરો મિજાજ જોવા મળ્‍યો

હું ધારાસભ્‍ય હોવ કે ન હોવ અમને રાજનીતિ કરતા આવડે છે

બનાસકાંઠા: કાંકરેજના તેરવાડા ખાટલા બેઠકમાં પહોંચેલા અલ્પેશ ઠાકોરે વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. કેટલાક રાજકીય કાવાદાવાઓમાં અમે પણ ભુલા પડ્યા અમે પણ ક્યાંક ફસાયા પણ ખરા જો કે આજે કોઈપણ સભા હોય કોઈપણ મિટિંગ હોય પણ એકમાત્ર લક્ષ્ય હોય છે આ બધાનો અલ્પેશ ઠાકોર. સ્ટેજ ઉપરથી અલ્પેશ ઠાકોરને ગાળો દેવા સિવાય કોઈ કામ નથી કરતા. જે ઝેર ઓકે છે તેમાં કેટલું અમૃત છે એ મને ખબર છે. એ બોલે છે પણ હું બોલી નથી શકતો પણ જાણું તો હું એ બધું છું જેઓ તે કહેવા માંગે છે.

જે લોકો પોતાની રાજકીય ખુરશીઓ લઈને બેઠા છે એ મેં ભૂલ કરી કે તમને મેં ખુરશી અપાવી મારી સેનાએ તમને ખુરશી અપાવી. આ સમાજે તેમને ખુરસી અપાવી અને એજ સમાજને તમે બદનામ કરો છો. આ સમાજને તોડવાની કોશિશ ના કરશો નહિ તો આ એજ અલ્પેશ ઠાકોર છું હું એકેયને છોડીશ નહી. આમને કહી દો મને ગાળો ન દે અને કયારેક બધા ભેગા થઈને મને વાગતાં ઢોલે આવીને કહી દો કે હવે ઘરની બહાર ન નીકળતો બેસી જા ઘરે તો બીજા દિવસેથી બહાર નહિ નીકળું.

જેને ટીવીમાં આવવાનો શોખ હોય એને અલ્પેશ ઠાકોરને ગાળો દેવાનું મુબારક છે. અલ્પેશ ઠાકોર ધારાસભ્ય હોય કે ન હોય રાજનીતિ અમને નક્કી કરતાં આવડે છે અને અમે કરવાના છીએ. અલ્પેશ ઠાકોરને તમે એવો જમ બનાવી દીધો છે કે અલ્પેશ ઠાકોરનું નામ ઊંઘમાં ય પડે તો ફફડી ઉઠે. અત્રે ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર આજે ખાટલા બેઠકમાં ગયા હતા. અહીં તેમનો આક્રમક મિજાજ જોવા મળ્યા હતા.

(4:56 pm IST)