Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ગાંધીનગરના મોટી શિહોલી ગામમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરો 1.85 લાખની રોકડ ચોરી છુમંતર થઇ જતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે હવે દિવસે પણ ચોરીની ઘટના વધી છે. મોટી શિહોલી ગામમાં બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી ૧.૮૫ લાખ રૃપિયા રોકડા ચોરીને પલાયન થઈ ગયા હતા. જે સંદર્ભે મકાનમાલિકે ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તસ્કરોને પકડવા મથામણ શરૃ કરી છે.

ગાંધીનગરમાં આમ તો ઘરફોડ ચોરીની નવાઈ નથી. પરંતુ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી દિવસ દરમિયાન પણ ચોરીની ઘટના વધી રહી છે. ત્યારે ગઇકાલે શહેર નજીક આવેલા મોટી શિહોલી ગામમાં ત્રિગુણ ફાર્મ ખાતે રહેતા અને ચિલોડા ખાતે સ્વીટ માર્ટની દુકાન ચલાવતા માંગીલાલ ઉદાજી ગુર્જરના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આ અંગે મળતી વિગતો પ્રમાણે માંગીલાલ ગઇકાલે સાંજના સુમારે દુકાન ઉપર હાજર હતા. તે વખતે તેમની પુત્રીનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તે અને તેની માતા મકાન બંધ કરીને બાજુમાં બેસવા માટે ગયા હતા. ત્યારબાદ ઘરે પરત ફર્યો ત્યારે મકાનનો સામાન વેરવિખેર હાલતમાં હતો અને તિજોરીમાં તપાસ કરતા ૧.૮૫ લાખ રૃપિયા ચોરાયા હતા. જેથી મકાનના પાછળની બાજુએ તપાસ કરતા જાલીનું તાળું તૂટેલું હતું. જેથી હાલ તો ચિલોડા પોલીસે આ મામલે અજાણ્યા તસ્કરો સામે ચોરીનો ગુનો દાખલ કરી તેમને પકડવા માટે મથામણ શરૃ કરી છે. રાત્રી બાદ હવે દિવસે પણ શરૃ થયેલી ઘરફોડ ચોરીઓ પોલીસ માટે ચિંતાનો વિષય બની છે ત્યારે સ્થાનિકોએ પણ પેટ્રોલિંગ વધારવા માટે માંગણી કરી છે.

(6:46 pm IST)