Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

આંકલાવના કોસીંદ્રા સહીત જીલોડ ગામે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 7 લાખથી વધુની મતાની તસ્કરી કરી ફરાર થઇ જતા પોલીસ ફરિયાદ

આણંદ : વિતેલા બે દિવસો દરમ્યાન આંકલાવ તાલુકાના કોસીન્દ્રા અને જીલોડ ગામે બંધ મકાનને નિશાન બનાવી  તસ્કર ટોળકીએ રૂ. ૭ લાખ ઉપરાંતની મતાની ચોરી કરી ફરાર થઈ ગઈ હોવાના બે અલગ અલગ ગુનાઓ આંકલાવ પોલીસ મથકે નોંધાયા છે. આકલાવ પોલીસે ગુનો નોંધી ડોગ સ્કવૉડ તેમજ ફીંગર પ્રિન્ટ નિષ્ણાતની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

કોસીન્દ્રા ગામે આરીકારી માતાજીના મંદિર પાસે રહેતા રાવજીભાઈ ગાંડાભાઈ તળપદાના ઘરે ગત તા. ૮મીને મધ્ય રાત્રિના સુમારે તસ્કર ટોળકી ત્રાટકી હતી અને ઘરની ઉપર આવેલ રૂમનો દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી રૂા. ૨.૧૫ લાખની મત્તા તેમજ ઘરની બહાર પાર્ક કરેલ મોટરસાયકલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારના સુમારે રાવજીભાઈનો પુત્ર ગોપાલ જાગી જતા ઘરનો દરવાજો બહારથી કોઈએ હેન્ડલ મારી દેતા ખુલ્યો નહતો. જેથી તેણે પિતાને ફોન કરતા પિતાએ આવી દરવાજો ખોલ્યો હતો અને બેઠક રૂમમાં આવી તપાસ કરતા લાકડાના કોર્નરના તમામ ડ્રોઅર અને ઉપરના માળે આવેલ તિજોરી તેમજ મંદિરવાળી રૂમની તિજોરીમાંથી સામાન્ય વેરવિખેર પડેલો નજરે ચડયો હતો. સાથે સાથે ઘરની બહાર પડેલ મોટરસાયકલ ન જોતા તપાસ કરતા ઘરથી ૧૦૦ મીટર રોડ ઉપર એક નંબર પ્લટ વગરનું મોટરસાયકલ મળી આવ્યું હતું. જેથી અનુમાન કરાઈ રહ્યું છે કે નંબરપ્લેટ વિનાનું મોટરસાયકલ લઈ આવેલ તસ્કરો ચોરી કર્યા બાદ મકાન માલિકનું મોટરસાયકલ લઈ ફરાર થઈ ગયા હશે. આ બનાવ અંગે આંકલાવ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

(6:53 pm IST)