Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

કપડવંજ તાલુકાના મુવાડાની પરિણીતાએ દસ મહિનાના લગ્નજીવનથી કંટાળી ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા અરેરાટી મચી જવા પામી

કપડવંજ : કપડવંજ તાલુકાના ગૌચરના મુવાડાની પરણીતાએ દસ મહિનાના લગ્નજીવનના અંતે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવતા પંથકમાં ચકચાર મચી છે. પતિના આડા સંબંધો અને  ઘરના કામકાજ બાબતે સાસરીયાઓના ત્રાસથી કંટાળેલી પરણિતાએ આખરે મોતને વ્હાલુ કર્યું હતું. 

બાલાસિનોર તાબેના ભાંથલા ગામના શિલ્પાબેન વિજયસિંહ સોલંકીના લગ્ન ગત્ જૂન ૨૦૨૧ના રોજ કપડવંજ તાલુકાના ગૌચરની મુવાડી તાબેના લાલજીપુરાનગર ગામે રહેતા વિજયસિંહ ગોવિંદભાઇ ઝાલા સાથે થયા હતા. લગ્નની શરુઆતના ત્રણ મહિના સુધી લગ્નસંસાર સારી રીતે ચાલ્યો હતો. પરંતુ તે બાદ પતિ વિજયસિંહના ડોળા ગામની અન્ય યુવતી સાથે જોડાયા હતા. જેને કારણે શિલ્પાબેન સાથે વિજયસિંહનો વ્યવહાર બદલાઇ ગયો હતો અને વારંવાર ઝઘડા કરતા હતા. આ બાબતે શિલ્પાબેને સાસુને પણ ફરિયાદ કરી હતી. પરંતુ સાસુએ પણ વિજયસિંહનો જ પક્ષ લઇને શિલ્પાબેનને સમાધાન સાથે જીવવા કહ્યું હતું. ત્રણ દિવસ અગાઉ શિલ્પાબેન ઝઘડાથી કંટાળીને પિયર આવી ગયા હતા. અને બીજા દિવસે વિજયસિંહ આવીને શિલ્પાબેનને પોતાની સાથે લાલજીપુરનગર લઇ ગયા હતા. અને બીજા દિવસે શિલ્પાબેને ઘરે ગળે  ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. એક જ રાતમાં એવું તે શું બન્યું કે શિલ્પાબેનને આવું ગંભીર પગલું ભરવુ પડયું એવા અનેક સવાલો સ્થાનિકોમાં ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. છેલ્લાં છ મહિનાથી પતિ વિજયસિંહ અને શિલ્પાબેન વચ્ચે ખટરાગ ઉભો થયો હતો. અને અચાનક શિલ્પાબેનના આ જીવલેણ પગલાંથી પંથકમાં ચકચાર મચી છે. આ બનાવ અંગે શિલ્પાબેનના પિતા વિજયસિંહે કપડવંજ રૂરલ પોલીસ મથકે પતિ વિજયસિંહ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.  ત્યારે એમ પણ જણાવ્યું હતુ કે આ અગાઉ પણ ભાંથલા ગામની બે દિકરીઓને ગૌચરની મુવાડી તાબેના લાલજીપુરાનગરમાં પરણાવેલી અને તેમની પણ હત્યા થઇ હતી. આથી હવે કોઇ છોકરીને આ ગામમાં પરણાવતા મા-બાપ સો વાર વિચાર કરશે.

(6:47 pm IST)