Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

વડોદરાના સમા વિસ્તારમાં સ્ટેટ વિજિલિન્સની ટીમે દરોડા પાડતા અનેક બુટલેગરોમાં દોડધામ

વડોદરા: વડોદરાના સમા વિસ્તારમાં ગઈ મોડીરાત્રે સ્ટેટ વિજિલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા તે દરમિયાન પથ્થરમારો થતાં ભાગદોડ મચી ગઇ હતી તે દરમિયાન સ્ટેટ વિજિલન્સના અધિકારીઓએ બુટલેગર દિલીપ ડામોરની અંગજડતી લેતા આધારકાર્ડ ,ચુંટણીકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ તથા દારૂના હિસાબ અંગેની ડાયરી મળી આવી હતી. સાથે પર્સમાંથી રોકડા રૂપિયા 17,260 તથા મોબાઇલ ફોન કબજે કર્યો હતો. જ્યારે અન્ય ઝડપાયેલ તેમજ નાસી જનાર વ્યક્તિના બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. જે તમામ મુદ્દામાલ સમા પોલીસ મથકે જમા કરાવ્યો હતો.

રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર અટકાવવાની મોટી મોટી વાતો કરે છે. પરંતુ પોલીસ વિભાગમાં અવારનવાર ભ્રષ્ટાચારની પોલ ખુલતી હોય છે. અગાઉ બુટલેગર વિક્રમ ચાવડાને ત્યાં પડેલી રેડમાં મળેલી બુટલેગરની લાલ ડાયરીમાં અનેક રાઝ ખુલ્યા હતા. ચોપડામાં પોલીસ અધિકારીઓના વહિવટદારોના હિસાબ ખુલ્યા હતા. બુટલેગરે આંગડીયા મારફતે વહીવટદારને રૂ.44 લાખ તથા 3 ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજીના અધિકારીઓનો હિસાબમાં ઉલ્લેખ હોવાનું સપાટી પર આવ્યું હતું. આ ભ્રષ્ટાચારની સાંકળમાં પોલીસ સાથે કહેવાતા પત્રકારો, સહિત રાજકીય કાર્યકર્તાઓ પણ સામેલ હોય સમગ્ર તપાસ સમય જતા અભરાઈએ ચઢી જાય છે. ત્યારે હવે ફરી બુટલેગર પાસેથી હિસાબી ડાયરી મળી આવતા ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવું એ રહ્યું કે, આ ડાયરીનો હિસાબ ભ્રષ્ટાચારની સાકળને તોડશે કે પછી અગાઉની માફક "તેરી ભી ચૂપ  મેરી ભી ચૂપ" આ કહેવતને સામર્થ્ય મળશે.

(6:53 pm IST)