Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

વડોદરાના વારસિયા વિસ્તારમાં પીવાનું શુદ્ધ પાણી ન મળતા મહિલાઓએ પાલિકાના દરવાજા ખખડાવ્યા

વડોદરા:શહેરમાં ચારે તરફ પીવાના પાણીનો કકળાટ શરૂ થયો છે. અગાઉ વારસિયા વિસ્તારમાં તંત્રનું ધ્યાન દોરવા માટલા ફોડી થાકેલી મહિલાઓ હવે પાલિકાની કચેરી ખાતે ધક્કા ખાઈ ચપ્પલના તળિયા ઘસશે. અત્રે નોંધનીય છે કે, મોટા ઉપાડે શરૂ થયેલી પાણી માટેનો ફરિયાદ સેલ પણ શોભાના ગાંઠિયા સમાન બન્યો છે. વડોદરા શહેરમાં ઉનાળાના પ્રારંભ સાથે પાણીનો કકળાટ પણ શરૂ થયો છે. અગાઉ વારસિયા વિસ્તારની મહિલાઓએ પાણી મુદ્દે તંત્ર વિરુદ્ધ બળાપો કાઢયો હતો. જુના આરટીઓ કચેરી પાસે આવેલી સુરુચી પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી દૂષિત આવવું તેમજ ઓછા પ્રેશરથી વિતરણની સમસ્યા છે. જેથી વિસ્તારની મહિલાઓએ કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી માટલા ફોડી આક્રોશ દર્શાવ્યો હતો. દરમિયાન હવે સુરુચી, કૈલાશ સોસાયટીના રહીશો ને પૂરતા પ્રમાણમાં, પૂરતા પ્રેસરથી પાણી ન મળતા સ્થાનિક રહીશો મોરચા સ્વરૂપે આજે મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવશે. અગાઉ અનેક વખત સ્થાનિક વહીવટી વોર્ડ કચેરી, કોર્પોરેટરને રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી.

(6:55 pm IST)