Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

૧૪ એપ્રિલે સાણંદના મુનિ આશ્રમ ખાતે વિનામુલ્યે મેગા આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાશે

તમામ પ્રકારના રોગોના નિદાન અને સારવાર નિષ્ણાંત ડોક્ટરો દ્વારા આપવામાં આવશે : કેસની નોંધણી સ્થળ પર જ વહેલા તે પહેલાનાં ધોરણે સવારે ૮-૩૦ કલાકેથી કરવામાં આવશે : કેમ્પ બાદ સેવાઓ માટે સરકારી આયુર્વેદ દવાખાનું શિયાવાડા તેમજ હોમિયોપેથીક દવાખાનું મોડાસરનો સંપર્ક કરવો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : નિયામક આયુષની કચેરી, ગાંધીનગર આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત, અમદાવાદના માર્ગદર્શનથી સરકારી આયુર્વેદ દવાખાનું  શિયાવાડા અને સરકારી હોમિયોપેથીક દવાખાનું  મોડાસર દ્વારા આયોજિત આયુષને જાણો સ્વસ્થ જીવન માણો વિનામૂલ્યે મેગા આયુષ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. તારીખઃ- ૧૪/૦૪/૨૦૨૨ના સમય ૯ થી ૧ સુધી મુનિ આશ્રમ નીધરાડ, સાણંદ ખાતે આયોજિત કેમ્પમાં સરકારી આયુષ દવાખાના વિવિધ રોગોના નિષ્ણાંત વૈધો / ડોક્ટરો તેમની સેવા આપશે. તમામ પ્રકારના રોગો ના નિદાન અને સારવાર, માસિક સંબંધી રોગો સફેદ પાણી પડવું,  દાંત ના રોગો અને તેની સારવાર,  ચામડીના રોગો, લોહીની ઉણપ તથા અન્ય સ્ત્રીઓના રોગો, બાળકોનાં રોગો, પાચન સંબંધી રોગો, (અજીર્ણ, એસીડીટી) સાંધાના દુઃખાવા, વા ના રોગો, ડાયાબીટીસ અને જીવન શૈલી સંબંધીત રોગો, અગ્નીકર્મ દ્વારા શરીરના દુખાવામાં રાહત, ૦ થી ૧૨ વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશન સહિતના રોગોની સારવાર તથા માર્ગદર્શન તદ્દન મફત આપવામાં આવશે. આ ઉપરાંત સ્વર્થ જીવનશૈલી - દિનચર્ચા, ૠતુચર્યા અંગે માર્ગદર્શન, રસોડા - ઘર આંગણાની ઔષધીય વનસ્પતિઓ અંગે માર્ગદર્શન/ પ્રદર્શન, પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ નિદર્શન અને માર્ગદર્શન આપવામાં આવશે. કેસની નોંધણી સ્થળ પર જ વહેલા તે પહેલાનાં ધોરણે સવારે ૮-૩૦ કલાકેથી કરવામાં આવશે. જાહેર જનતાને કેમ્પમાં વધુમાં વધુ લોકો લાભ લેવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. આ કેમ્પમાં સહયોગ મુનિ આશ્રમ સેવા ટ્રસ્ટ સાણંદનો સહયોગ અમુલ્ય છે. કેમ્પ બાદ સેવાઓ માટે સરકારી આયુર્વેદ દવાખાનું શિયાવાડા, સાણંદ તેમજ હોમિયોપેથીક દવાખાનું મોડાસર, સાણંદનો સંપર્ક કરવો. તેમ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત અમદાવાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ હતું.

(6:56 pm IST)