Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ઢોર નિયંત્રણ બિલને લઈને ગુજરાત માલધારી મહાપંચાયતની બેઠક મળી : 18 એપ્રિલથી રાજ્યભરમાં આંદોલન કરવાની જાહેરાત : 19 એપ્રિલે સત્યાગ્રહ છાવણી ખાતે આમરણાંત ઉપવાસનો નિર્ણય

અમદાવાદ : ગુજરાતમાં ઢોર નિયંત્રણ બિલ સંપૂર્ણપણે રદ કરવા માટે ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા રાજ્ય સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જે પૂર્ણ થતાં આજે શેરથા વડવાળા મંદિરમાં માલધારી સમાજના આગેવાનોની મિટિંગ મળી હતી. જેમાં આગામી 18 એપ્રિલથી 11 થી 4 સુધી પ્રત્યેક જિલ્લામાં પ્રતિક ધરણા કરવાની તેમજ 19 એપ્રિલે સમાજના 11 આગેવાનો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ આમરણાંત ઉપવાસ પર બેસવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોંગ્રેસ ધારાસભ્ય રઘુ દેસાઈ અને લાખા ભરવાડની ઉપસ્થિતિમાં યોજાયેલી મિટિંગમાં ઢોર નિયંત્રણ બિલ રદ કરવા માટે સરકાર પર દબાણ લાવવાની રણનીતિ ઘડવામાં આવી છે. ઢોર નિયંત્રણ બિલને લઈને સરકાર અને સંગઠન તરફથી અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી છે. જેને લઈને ગુજરાત માલધારી મહાપંચાયત માની રહી છે કે, સરકાર તેમનું આંદોલન નબળું પાડવા માટે રાજરમત રમી રહી છે. આજ કારણથી સરકાર જ્યાં સુધી કાયદો રદ્દ કરવાની જાહેરાત ન કરે, ત્યાં સુધી માલધારી સમાજનું આ આંદોલન ચાલુ રાખવાની નક્કી કરવામાં આવ્યું છે.

માલધારી સમાજના આ આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે આગામી દિવસોમાં અલગ-અલગ સમાજ અને જ્ઞાતિના ધર્મગુરુઓ અને આગેવાનોને માલધારી સમાજના આગેવાનો મળીને આંદોલનમાં જોડાવવા માટે આહવાન કરશે અને સરકાર આ બિલ વહેલી તકે રદ કરીને ગાયો માટેની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરે તે માટે આંદોલનને ઉગ્ર બનાવવામાં આવશે.

(7:23 pm IST)