Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મંગળવારે ગાંધીનગરના સરઢવ ગામે પ્રભાત ફેરીમાં સહભાગી થશે : વૃક્ષારોપણ - પશુ સારવાર કેમ્પનું આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે શ્રી પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં આયોજન

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મંગળવારે તા.૧ર એપ્રિલે સવારે ૬-૩૦ કલાકે ગાંધીનગર નજીકના સરઢવ ગામે પ્રભાત ફેરીમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ઉજવાઇ રહેલા આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે ‘‘ગામમાં ઉજવીએ વિકાસ ઉત્સવ’’ ની સંકલ્પના સાથે સરઢવમાં શ્રી પટેલની ઉપસ્થિતીમાં બહુવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રી સરઢવ ગામની પ્રભાત ફેરીમાં જોડાઇને આત્મનિર્ભર ભારતની આઝાદીનું ગૌરવ ગાન કરવા સાથે સ્વાતંત્ર્ય વીરોના સપનાના રાષ્ટ્રના નિર્માણની જનચેતના ગ્રામજનોમાં ઉજાગર કરશે.

સરઢવની માધ્યમિક શાળાની સ્થાપનાના ૮૦માં વર્ષની ઉજવણીમાં તેઓ ઉપસ્થિત રહેશે. એટલું જ નહિ, ગામમાં પ્રતિકરૂપે વૃક્ષારોપણ કરશે અને સરઢવ પશુ દવાખાના ખાતે નેશનલ એનિમલ કંટ્રોલ ડિસીઝ પ્રોગ્રામ અન્વયે પશુ રસીકરણ કેમ્પનો પણ પ્રારંભ કરાવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરઢવમાં જે ધરતીપુત્રોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે તેમની સફળતાની ગાથા પણ આ અવસરે જાણવાના છે.

(7:36 pm IST)