Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ગુજરાત હજ સમિતિ દ્વારા હજ-૨૦૨૨ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરાઇ : હજ અરજદારો હજ કમિટિ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર આગામી તા.૨૨ એપ્રિલ-૨૦૨૨ સુધી ઓનલાઇન અરજી કરી શકશે

નવી માર્ગદર્શિકા મુજબ ૬૫ વર્ષથી નીચેના અને સાઉદી ગવર્મેન્ટે માન્ય કરેલ વેક્સિન લીધેલ હશે તેવા અરજદારો જ હજ માટે જવા લાયક ગણાશે

અમદાવાદ : હજ કમીટી ઓફ ઈન્ડિયાના તારીખ ૦૯-૦૪-૨૦૨૨ના ઠરાવ અંતર્ગત સૂચનાઓ તેમજ હજ કમિટિ ઓફ ઇન્ડિયા તરફથી મળેલ વધારાની સ્પષ્ટતાઓ મુજબ હજ-૨૦૨૨ માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

નવી માર્ગદર્શિકા મુજબ  ૬૫ વર્ષથી નીચેના અને સાઉદી ગવર્મેન્ટે માન્ય કરેલ વેક્સિન લીધેલ હશે તેવા અરજદારો જ હજ માટે જવા લાયક ગણાશે. સાઉદી અરેબિયા જવાના સમયે ૭૨ કલાકની અંદર કરાવેલ RT-PCR ટેસ્ટનો નેગેટીવ રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે.

વધુમાં કિંગડમ ઓફ સાઉદી અરેબિયાનાં હજ અને ઉમરાહ મંત્રાલય દ્વારા નવી ગાઈડલાઈન્સ પ્રમાણે હજ ૨૦૨૨ માટે ૬૫ વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવેલ છે. આથી, ૭૦+ કેટેગરીની અરજીઓ(કમ્પેનિયન સહીત) તેમજ ૬૫ વર્ષ ઉપરના સામાન્ય કેટેગરીના અરજદારોની અરજીઓ પણ આપો-આપ રદ્દ થયેલ ગણાશે. આથી રિઝર્વ કેટેગરીનાં કવરો રદ્દ કરવામાં આવેલ છે. હજ અરજદારો હજ કમીટી ઓફ ઇન્ડિયાની વેબસાઈટ https://hajcommittee.gov.in પર તા.૨૨ એપ્રિલ ૨૦૨૨ સુધી નિયત  શરતો મુજબ ઑનલાઈન અરજી કરી શકશે.

આ ઉપરાંત નવી અરજી માટે અરજદારનો મશીન રીડેબલ પાસપોર્ટ, કે જે ૨૨-૦૪-૨૦૨૨ પહેલા ઈસ્યૂ થયેલ હોય અને ૩૧-૧૨-૨૦૨૨ સુધી વેલિડ હોય તેવા અરજદારો નવેસરથી અરજી કરી શકશે. તારીખ ૩૦-૦૪-૨૦૨૨ની સ્થિતિએ ૬૫ વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતા અરજદારો કે જેઓએ પેહલા અરજી કરેલ નથી, તેવા અરજદારો નવેસરથી અરજી કરી શકશે તેમજ તેઓએ સાઉદી ગવર્મેન્ટે માન્ય કરેલ વેક્સિન લીધેલ હોવી જોઈશે.  એવી સ્ત્રીઓ કે જેઓના મેહરમની ઉમર ૬૫ વર્ષ કરતા વધારે હશે તેઓની અરજી પણ રદ કરવામાં આવશે, પરંતુ એવી સ્ત્રીઓ ૬૫ વર્ષ કરતા ઓછી વયના મેહરમ-કમ્પેનિયન બદલવા માટે અરજી કરી શકશે. આ જ બાબત ૭૦+ કેટેગરીનાં કમ્પેનિયનને પણ લાગુ પડશે. જો કમ્પેનિયનની ઉમર ૬૫ વર્ષ કરતા ઓછી હોય તો તેઓની અરજી સામાન્ય કેટેગરીમાં ગણાશે.

નવી માર્ગદર્શિકાનાં કારણે હજ-૨૦૨૨માં જવા ઈચ્છતા ન હોય તો તેવા હજ અરજદારો જો ઈચ્છે તો તેમની અરજી પાછી પણ ખેંચી શકે છે. હજ-૨૦૨૨ માટેની તમામ સુચનાઓ/ફેરફારો માટે https://hajcommittee, gov.in,https://www.gujarathajhouse.com, https://haj.gujarat.gov.inની વેબસાઈટ સમયાંતરે તપાસ કરતા રહેવા સચિવશ્રી, ગુજરાત રાજ્ય હજ સમિતિ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

(7:41 pm IST)