Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ધર્મ બદલ્યા વીના યુવક-યુવતી આજીવન સાથે રહેવા તૈયાર

ગુજરાત હાઈકોર્ટમાં અનોખો કેસ આવ્યો ઃ યુવતીનો પરિવાર ન માનતા હોઈકોર્ટે બંનેને લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવા કહ્યું, પોલીસ પ્રોટેક્સન આપવા આદેશ

અમદાવાદ, તા.૧૧ ઃ રાજ્યની હાઈકોર્ટ સમક્ષ એક અનોખો કિસ્સો આવ્યો છે. આ કેસ હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીનો છે. જેઓ એકબીજાના પ્રેમમાં છે પરંતુ પરિવાર રાજી ન હોવાને કારણે ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. જો કે, પરિવાર દ્વારા કરવામા આવેલી હેબિયસ કોર્પસની રિટમાં મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકને હાઈકોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. જેમાં મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક સાથે જીવન જીવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને યુગલે કોર્ટમાં એવું પણ કહ્યું હતું કે, અમે એકબીજાના ધર્મ બદલ્યા વિના જ એક સાથે જીવન જીવવા માંગીએ છીએ.જેથી હાઈકોર્ટે બંનેને સાથે જવાની તેમજ સ્પેશિયલ મેરેજ કોર્ટમાં લગ્નની નોંધણીની મંજૂરી આપી અમદાવાદ પોલીસ કમિશનરને તેમને પ્રોટેક્શન આપવા આદેશ કર્યો હતો. એક અહેવાલ પ્રમાણે આ કિસ્સો અમદાવાદનો છે, જ્યાં છેલ્લા ૧૬ વર્ષથી એક જ વિસ્તારમાં રહેતા હિન્દુ યુવક તરૃણ (નામ બદલ્યું છે) અને મુસ્લિમ યુવતી ફરઝાના (નામ બદલ્યું છે) વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જો કે, યુવતીનો પરિવાર સંબંધોને મંજૂરી ન આપતા બંને ભાગી જવાનું નક્કી કર્યું હતું. જેથી ફરઝાનાની માતાએ હાઈકોર્ટે સમક્ષ હેબિયસ કોર્પસની અરજી કરી દીકરીને યુવકના ચુંગાલમાંથી છોડાવીને હાજર કરવાની માગ કરવામાં આવી હતી. હાઈકોર્ટે નોટિસ ઈશ્યુ કરતા યુવક-યુવતી બંનેને હાજર કરવામાં આવ્યા હતા.

યુવતીએ હાઈકોર્ટ સમક્ષ જણાવ્યું કે, તે તરૃણ સાથે જ રહેવા માગે છે. તેમની બંનેની આસ્થા જુદા-જુદા ધર્મની છે પરંતુ તેઓ એકબીજાના ધર્મને બદલ્યા વિના જ એકમેકની સાથે જિંદગી જીવવા માગે છે.

જેથી હાઈકોર્ટે આદેશમાં નોંધ્યું કે, યુગલના ધર્મ અલગ-અલગ છે ત્યારે તેમના સ્પેશિયલ મેરેજ એકટ હેઠળ લગ્નનું રજિસ્ટ્રેશન કરવું પડશે, જે માટે બંને તૈયાર પણ છે. યુવતીના માતા-પિતાને સમજાવવાનો પ્રયાસ કરવા છતાંય તેઓ ન માનતા યુવતીને યુવક સાથે જવાની મંજૂરી આપી છે. ઉપરાંત તેમને લીગલ સર્વિસ કમિટી તરફથી જરૃર પડે તો લોજિસ્ટિક સપોર્ટ પણ આપવાનો રહેશે. તે ઉપરાંત હાઈકોર્ટે વિધર્મી યુગલ અને યુવકના પરિવારના ચાર સપ્તાહ સુધી પોલીસ પ્રોટેક્શન આપવાનો પણ પોલીસ કમિશનરને આદેશ કર્યો છે.

 

(8:46 pm IST)