Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

રામ નવમીના નીકળેલ શોભાયાત્રામાં હિંમતનગર ખંભાતમાં જુથ અથડામણમાં પોલીસે શોભાયાત્રામાં સામેલ લોકો સામે પણ ફરીયાદ નોંધી

હિંમતનગરમાં ૭૦૦ સામે ગુન્‍હો દાખલ

હિંમતનગર અને ખંભાતમાં રામનવમીના પ્રસંગે નીકળેલી શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બની હતી. જે બાદ બંને શહેરોમાં જૂથ અથડામણ સર્જાયું હતું. આ જૂથઅથડામણમાં પોલીસે શોભાયાત્રામાં સામેલ લોકો સામે પણ ફરિયાદ નોંધી છે. તેમની ધરપકડની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે હવે હિંસાને પગલે ખંભાતના રેન્જ IG વી.ચંદ્રશેખર અને ગાંધીનગર રેન્જ આઈજી અભયસિંહ ચૂડાસમાએ પત્રકાર પરિષદ યોજી હતી.

હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારા મામલે 39 શખ્સો સામે નામજોગ ગુનો દાખલ કરાયો છે. તો 700 લોકોના ટોળા સામે પણ ગુનો દાખલ કરાયો છે. પોલીસની ટીમ પર પણ પથ્થરમારો કરાયો હતો. હુમલામાં SP સહિત 10 કરતા વધુ પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ફરિયાદને પગલે તમામની ધરપકડ થશે. આરોપીઓની ઓળખ કરી ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ દેવામાં આવી છે. હાલ હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે. ત્યારે હવે આ મામલે ગાંધીનગર રેન્જ આઈજી અભયસિંહ ચૂડાસમાએ પત્રકાર પરિષદ યોજી હતી.

ધાર્મિક સ્થળોએ તોડફોડની FIR કરાઈઃ રેન્જ આઈજી અભયસિંહ ચૂડાસમા
ચૂડાસમાએ કહ્યું કે, ગઈકાલે હિંમતનગરમાં બે કોમ વચ્ચે ઘર્ષણ થયું છે. રામનવમી શોભાયાત્રામાં બનાવ બન્યો છે. આજે હિંમતનગરમાં શાંતિ છે. ગઈકાલ બનાવ અંગે 3 FIR કરી 30 લોકોને પકડ્યા છે. CCTVના ફૂટેજ મળ્યા છે. તમામ પુરવાનું એનાલીસીસ ચાલુ છે. અત્યારે પોલીસ બંદોબસ્ત તહેનાત છે. પોલીસ પર હુમલો, શો-રૂમ તોડફોડ કરાઈ છે. ધાર્મિક સ્થળોએ તોડફોડની FIR કરાઈ છે.

અત્યારે પૂર્વનિયોજિત કાવતરું લાગે છેઃ રેન્જ આઈજી અભયસિંહ ચૂડાસમા
રેન્જ આઈજી અભયસિંહ ચૂડાસમાએ કહ્યું કે બંને કોમના રાજકીય-ધાર્મિક આગેવાનો સાથે મીટીંગ કરી છે. સમાજના તમામ વર્ગના લોકોને ખાત્રી આપવામાં આવી છે. અત્યારે પૂર્વનિયોજિત કાવતરું લાગે છે. જે લોકો આમા સામેલ છે તેમની વિરૂધ કાર્યવાહી થશે. ત્રણેય ફરિયાદમાં પોલીસ ફરિયાદી છે. સરકાર પોતે ફરિયાદી હોય ત્યારે ફરિયાદનું મહત્વ વધી જાય છે. અત્યારે હિંમતનગરમાં શાંતિ છે. અહીં કોઈ કોમ્યુનલ બનાવો અગાઉ નથી બન્યા. લોકો પોતાના મહેલમાં ટોળું બેસે એમ કઈ ખોટું નથી.

ખંભાતમાં રાવનવમી નિમિત્તે જ્યારે શોભાયાત્રા કાઢવામાં આવી તે દરમિયાન હિંસા થઈ હતી. ત્યારે હવે આ હિંસા મામલે 1 હજારના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. વિધર્મીઓ દ્વારા પોલીસની નજર સમક્ષ શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો.

સ્થિતિને ધ્યાને લઈ પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યાઃ રેન્જ IG વી.ચંદ્રશેખર
આ હિંસાને પગલે ખંભાતના રેન્જ IG વી.ચંદ્રશેખરે કહ્યુ છે કે, સ્થિતિને ધ્યાને લઈ પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં ભરવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.

એક વ્યક્તિનું હિંસાની ઘટનામાં મૃત્યુ થયુ હતુઃ રેન્જ IG વી.ચંદ્રશેખર
રેન્જ IGએ કહ્યું કે, ગઈકાલે રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. પોલીસે સ્થિતિને ધ્યાને રાખીને તાત્કાલિક પગલા લીધા છે. સ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે પોલીસ ફોર્સ તૈનાત કરાઈ છે. પોલીસની સતત પેટ્રોલિંગ અને કાર્યવાહીથી સ્થિતિ નિયંત્રણમાં છે. એક વ્યક્તિનું હિંસાની ઘટનામાં મૃત્યુ થયુ હતુ. ખંભાતમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે પગલા લીધા છે. ખંભાતમાં સવારથી વેપાર-ધંધા પણ ચાલુ થયા છે. 2 FIR દાખલ કરવામાં આવી છે.

આ ઘટના ષડયંત્ર હતી કે કેમ તેની તપાસ થશેઃ રેન્જ IG વી.ચંદ્રશેખર
રેન્જ IGએ વધુમાં કહ્યું કે, અત્યાર પોલીસ વધારે તપાસ કરી રહી છે. પોલીસે 9 વ્યક્તિઓની ધરપકડ કરી છે. બીજી ફરિયાદ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરશે. આ ઘટના ષડયંત્ર હતી કે કેમ તેની તપાસ થશે. ઝડપાયેલા તમામ 9 લોકો સ્થાનિક વિસ્તારના છે. હાલ સ્થાનિક પોલીસ જ તપાસ કરી રહી છે. સ્થાનિક પોલીસની તપાસમાં સંપૂર્ણ વિશ્વાસ છે.

(9:58 pm IST)