Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે વધુ ૧ર૭ વિદ્યાર્થીઓનું સ્‍ક્રીનીંગ કરાયું : વધુ ૧૬ વિદ્યાર્થી કોરોના સંક્રમિત બે પ્રોફેસરો પણ કોરોનાનો શિકાર

ગાંધીનગર:ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે વધુ 16 વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાયા હોવાનું સ્ક્રીનિંગ દરમિયાન સામે આવ્યું છે.

કોર્પોરેશનના આરોગ્ય તંત્ર દ્વારા વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં કોરોનાના સતત નવા કેસો ઉમેરાય રહ્યા છે. વિદ્યાર્થીઓ ઉપરાંત યુનિવર્સિટીના બે પ્રોફેસર પણ કોરોનાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોનાના કેસો હજુ અટવાનું નામ નથી લેતા. રોજેરોજ નવા કેસો નોંધાય રહ્યા છે. આજે વધુ 127 વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કોરોનાના વધુ 16 પોઝિટીવ કેસ નોંધાયા છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, નેશનલ લો યુનિવર્સિટી કેમ્પસમાં સતત ચારેક દિવસથી કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ કરાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 700થી વધુ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સાથે-સાથે સ્ટાફનું પણ સ્ક્રીનિંગ હાથ ધરાયું છે. જેમાં યુનિવર્સિટીમાં કુલ 64 કેસ કોરોનાના નોંધાયા છે. જેમાં 2 પ્રોફેસરનો પણ સમાવેશ થાય છે.

કોરોનાની ચેઈન હજુસુધી તૂટી નથી. એકબીજાના સંપર્કમાં આવવાથી વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ પ્રસર્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં શરૂમાં કોરોનાના છૂટાછવાયા માંડ ત્રણેક કેસ મળ્યા હતા. જો કે પછીથી કોરોનાનો પંજો પ્રસર્યો છે. કોરોનાના સતત વધતા કેસોની વિગતો જાણીને વિદ્યાર્થીઓના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

અત્યાર સુધીમાં એક જ વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તે સિવાયના તમામ દર્દીઓને હોસ્ટેલમાં આઈસોલેટ કરવામાં આવ્યા છે. આજે પણ મળી આવેલા તમામ 16 વિદ્યાર્થીઓ હોમ આઈસોલેશનમાં છે.

આ ઉપરાંત ભાટમાં એક 19 વર્ષનો યુવાન તથા સેક્ટર-21માં 23 વર્ષના યુવાનને કોરોના થયો છે. આ સાથે મહાપાલિકા વિસ્તારમાં આજે એક જ દિવસમાં કોરોનાના કુલ 18 કેસ નોંધાયા છે. આ બંને દર્દીઓ પણ ક્યાંક સંપર્કમાં આવવાથી જ સંક્રમિત થયા હોવાનું અનુમાન છે.

 

(10:00 pm IST)