Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

શહેરી વિસ્‍તારોમાં આવરી લીધેલ ગામડાના પશુપાલન કરતા પશુપાલકોને અન્‍યાય થયો હોવાની છાપ ઉઠી ઉપસી

માત્ર શહેરી વિસ્તારમાં સમાવેશ થવાથી આ ગામડાંઓના લોકો પોતાની આજીવિકા માટે પશુપાલનનો વ્યવસાય છોડી દેતા નથી.

દશેલાના ખેડુત ખાતેદારોએ સરકારે કરેલા અન્યાય સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. સરકાર દ્વારા જ રાજ્યના ગામડાઓના ગામતળના વાડાઓ કાયમી કરવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ ગામડાંઓને આ લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. મહાપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ગામડાંઓના ગામતળના વાડાઓને હજુસુધી નિયમબદ્ધ કરવામાં નથી આવ્યા. સરકારે પોતે જ કરેલા ઠરાવમાંથી શહેરી વિસ્તારોમાં સમાવિષ્ટ ગામડાંઓને જાણેકે બાકાતા રાખી દઈ પશુપાલકોને અન્યાય કર્યો હોવાની છાપ ઉપસી છે.

ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારોમાં સમાવવામાં આવેલા ગામડાંઓના ગામતળના વાડાઓ નિયમબધ્ધ કરવા દશેલાના ખેડુત ખાતેદારો દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં મહેસુલ મંત્રીને રજુઆત કરવામાં આવી છે. દશેલાના ખેડુતો છેક વર્ષ 2017થી રજુઆતો કરતા આવ્યા છે, પરંતુ સરકારે આ મામલે હજુસુધી કોઈ નિર્ણય કર્યો નથી. સરકારે તાજેતરમાં રખડતાં પશુઓના નિયંત્રણ માટે જે કાયદો બનાવ્યો છે, તેનાથી શહેરી વિસ્તારના ગામોના પશુપાલકો માટે મુશ્કેલી સર્જાય તેવી સ્થિતી છે. ગુજરાત રાજ્યના ગામડાઓના ગામતળના વાડાઓ કાયમી કરવાની જાહેરાત સરકારે જે તે સમયે કરી હતી. પરંતુ આ ઠરાવમાં શહેરી વિસ્તારમાં સમાવિષ્ટ ગામડાઓના વાડાઓને બાકાત રાખી દીધા છે. સિમાંકન દરમિયાન મોટા શહેરી વિસ્તારોથી 15 થી 20 કિમીના અંતરમાં આવેલા ગામડાંઓને શહેરી વિસ્તારોમાં સમાવવામાં આવતાં હોય છે. જોકે સરકારે એ બાબત ભૂલી જાય છે કે, આ ગામડાઓમાં પણ મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી જ હોય છે. માત્ર શહેરી વિસ્તારમાં સમાવેશ થવાથી આ ગામડાઓના લોકો તેઓની આજીવિકા માટે પશુપાલનનો વ્યવસાય છોડી નથી દેતા . દશેલાના ખેડુત ખાતેદારો દ્વારા પણ મહેસુલ મંત્રી સમક્ષ આ પ્રકારની રજુઆત કરવામાં આવી છે. પશુપાલનના વ્યવસાય માટે વાડાઓની જરૂરિયાત રહે છે. દશેલાના ખેડુતોનો આક્ષેપ છે કે, રાજ્યના આઠ શહેરી વિસ્તારોમાં સમાવિષ્ટ ગામડાઓને સરકારે કરેલા ઠરાવમાંથી બાકાત રાખી પશુપાલકોને તેઓના અધિકારથી વંચિત રાખી અન્યાય કર્યો છે. સરકારને 2017થી અત્યારસુધી રજુઆત કરાતી રહી છે. પરંતુ સરકારને હજુસુધી આ દિશામાં વિચારવાનો કે નિર્ણય કરવાનો કોઈ સમય મળ્યો નથી. પાંચ વર્ષથી રજુઆતો કરીને ખેડુત ખાતેદારોના ગળા સૂકાઈ ગયા. પણ સરકારના પેટનું પાણી હલતું નથી. પશુપાલકોના હિતમાં ઝડપથી નિર્ણયની હજુપણ ખેડુત ખાતેદારો આશા લગાવીને બેઠા છે.

 

(12:00 am IST)