Gujarati News

Gujarati News

News of Monday, 11th April 2022

હિમતનગરમાંથયેલ તોફાનીમાં ૩૯ તોફાની તત્‍વો સામે એ-બી ડિવીઝન પોલીસમાં નામ જોગ ફરીયાદ નોંધાય

તોફોનમાં સંડોવાયેલા 39 તોફાની તત્‍વો વિરુદ્ધ હિંમતનગર એ અને બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ દાખલ કરાતાં આવેશમાં આવી ગયેલા શખ્સો ભૂગર્ભમાં ઉતરી ગયા છે

સાબરકાંઠા જિલ્લા મુખ્ય મથક હિંમતનગર ખાતે રવિવારે રામનવમી નિમિત્તે નિકળેલી શોભાયાત્રામાં પથ્થરમારાની સાથે સાથે દુકાનો તેમજ વાહનોને આગ ચાંપવાના બનાવોને લઈને તોફોનમાં સંડોવાયેલા 39 તોફાની તત્ત્વો વિરુદ્ધ હિંમતનગર એ અને બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ દાખલ કરાતાં આવેશમાં આવી ગયેલા શખ્સો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

આ દરમ્યાન તોફાનો બાદ રવિવારે રાત્રે જ પોલીસે અનેક સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બીગ કર્યુ હતુ. પોલીસે 700ના ટોળા વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરી હતી. તો બીજી તરફ સોમવારે બજારો રાબેતા મુજબ શરૂ થઈ ગયા હતા, પરંતુ અજંપાભરી પરિસ્થિતિના કારણે લોકોની અવરજવર ખુબજ પાંખી રહી હતી.

રામનવમીની શોભાયાત્રા દરમ્યાન ચુસ્ત બંદોબસ્ત સહિત પોલીસની બેદરકારીના કારણે રવિવારે તોફાનો થયા હોવાનો શહેરીજનોનો મત વ્યક્ત કરીને પોલીસ સામે આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે.

રવિવારે રામનવમીએ સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા રામજન્મોત્સવની સાથે સાથે હિંમતનગરના રામજી મંદિર ખાતેથી નીકળેલી બપોરે અને સાંજે એમ બે શોભાયાત્રા પર એક કોમના જુથના શખ્સોએ પૂર્વ યોજિત કાવતરૂ રચીને શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી વાહનો સળગાવી પથ્થરમારો કર્યો હતો.

આ દરમ્યાન તોફાનોનો પડઘો રાત્રે સવગઢ વિસ્તારમાં પડયો હતો. જેને લઈને કેટલાક તોફાનીઓએ આવેશમાં આવી જઈને એક કાર સળગાવી દેતાં તરતજ પોલીસે ઘટના સ્થળે જઈ તોફાનીઓને વિખેરવા માટે પાંચથી વધુ ટીયર ગેસના સેલ છોડયા હતા. જે બાદ રાજયનો ગૃહ વિભાગ પણ હરકતમાં આવી ગયો હતો અને તોફોનો વધુ ન પ્રસરે તે આશયથી રેપીડ એકશનની બે ટુકડીઓ તથા એસઆરપીની બે ટુકડીઓને હિંમતનગર મોકલી દેવામાં આવી હતી.

જ્યારે સ્થાનિક પોલીસની મદદથી છાપરીયા, મહેતાપુરા, પોલોગ્રાઉન્ડ, ચાંદનગર સહિતના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં સોમવારે સવારે પોલીસે સાથે રહીને ફલેગમાર્ચ કરી હતી. જેના પરિણામ સ્વરૂપે આખો દિવસ બજારો ખુલ્લા હોવા છતાં લોકોની અવરજવર ખુબજ ઓછી જણાઈ હતી. એટલુ જ નહિં પણ લઘુમતી વિસ્તારોમાં આવેલી અનેક દુકાનો સોમવારે પણ બંધ રહી હતી. રવિવારના તોફાનો બાદ રાજયના ગૃહ વિભાગ ધ્વારા વધારાનો પોલીસફોર્સની ટુકડીઓને હિંમતનગર મોકલાયા બાદ સ્થાનિક પોલીસની મદદથી આરએએફ તથા એસઆરપીના જવાનોએ અનેક સંવેદનશીલ વિસ્તારોમાં ફલેગમાર્ચ કરી હતી. જેને લઈને આ વિસ્તારોમાં રહેતા સ્થાનિક લોકોએ ભેગા થવાનું તેમજ ઘરની બહાર નીકળવાનું ટાળ્યુ હતુ. જેના કારણે સતત ધમધમતા બજાર ચોક, જુના બજાર, શાકમાર્કેટ, મહાવીરનગર, મહેતાપુરા, પોલોગ્રાઉન્ડ સહિતના અન્ય વિસ્તારોમાં રહેતા લોકોના જનજીવન પર તોફાનોની અસરો જણાઈ આવી હતી.

પોલીસની બેદરકારીના કારણે તોફાનો થયા હોવાનો શહેરીજનોનો મત
હિંમતનગરમાં 13 વર્ષ બાદ બે કોમ વચ્ચે થયેલા તોફાન બાદ સમગ્ર રાજયમાં તેના પડઘા પડયા છે ત્યારે લોકોમાં એવુ ચર્ચાઈ રહયુ છે કે રામનવમીના દિવસે નિકળનારી શોભાયાત્રા પુર્વે પોલીસ તંત્રએ કેમ સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બીગ કર્યુ નથી અને તોફાનોમાં ઉપયોગમાં લેવાયેલ પથ્થરો તથા અન્ય ઘાતક સાધનો કેવી રીતે આવી ગયા તે સમજાતુ નથી. લોકો તો એમ પણ કહે છે કે સ્થાનિક પોલીસ તંત્ર ઉઘતુ રહયુ અને તોફાનીઓ તેમની મેલીમુરાદ પાર પાડવામાં સફળ થયા.

સોમવારે સાંજે વધુ 30 તોફાનીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ
તોફાનો સંદર્ભે સોમવારે સાંજે હિંમતનગર એ અને બી ડીવીઝન પોલીસે કોમ્બીગની કાર્યવાહી ચાલુ રાખીને બંને પોલીસ સ્ટેશનમાં મળી ૩૦ જણા વિરૂધ્ધ નામજોગ ફરીયાદ દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે. જેમાં કેટલાકની તો અટકાયત પણ કરાઈ ચુકાઈ છે.

છેલ્લા કેટલાક વર્ષોથી શાંતિથી ધંધો રોજગાર કરતા વેપારીઓ અને શહેરીજનો કોઈપણ ભય વિના જીવન વ્યતિત કરી રહયા હતા, ત્યારે કેટલાક તોફાની તત્વોએ શાંતપાણીમાં પથ્થર ફેંકીને કુંડાળા રૂપી અશાંતિની આગને પલીતો ચાંપી દીધો છે. સોમવારે હિંમતનગરના અનેક વિસ્તારોમાં પોલીસ તૈનાત થઈ ગઈ છે, ત્યારે જાણકારોના કહેવા મુજબ 13 વર્ષ અગાઉ ભાદરવા મહિનામાં છાપરીયા વિસ્તારમાંથી જઈ રહેલા પદયાત્રીઓ પર પથ્થરમારો કરીને કાંકરીચાળો થયો હતો.

રામનવમીની શોભાયાત્રા પર કરાયેલા પથ્થરમારા બાદ સમગ્ર શહેરની શાંતિ ડહોળાઈ ગઈ હોવાથી મોડી રાત્રે કેટલાક તોફાનીઓએ સવગઢ પાટીયા વિસ્તારમાં આવેલ એક ગેરેજ આગળની કારને સળગાવી દેતાં આ વિસ્તારમાં તંગદીલી ફેલાઈ ગઈ હતી. જેને લઈને પોલીસે તરતજ ઘટના સ્થળે જઈ હિંમતનગર ફાયર બ્રિગ્રેડની મદદથી આગ બુઝાવી દીધી હતી. તેમજ આ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહેલ પોલીસના વાહન પર કેટલાક શખ્સોએ પથ્થરમારો કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.

(12:11 am IST)