Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

વડોદરાના નાગરવાડા વિસ્તારમાં દુષિત પાણી પીવાથી ઍક સપ્તાહમાં ૩ દર્દીના મોતઃ ઝાડા-ઉલ્ટી અને તાવના કેસમાં વધારોઃ વોર્ડ નં.૮ની કચેરીમાં લતાવાસીઓ દ્વારા તોડફોડ

વડોદરા: શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 8ની કચેરીમાં રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ તોડફોડ કરી છે. વાસ્તવમાં દૂષિત પાણી પીવાથી ઝાડા-ઉલટી અને તાવના કેસ વધવાની સાથે જ છેલ્લા એક સપ્તાહમાં 3 દર્દીઓના મોત થઈ જવાથી લોકોનો આક્રોશ ચરમ પર પહોંચ્યો છે. જે બાદ સ્થાનિક લોકો મહાનગર પાલિકાના વોર્ડ નંબર 8ની કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં તોડફોડ કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. જો કે આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નાગરવાડા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત પાણી આવવાની સમસ્યાથી સ્થાનિક નાગરિકો પરેશાન હતા. સ્થાનિક લોકોએ આ અંગે પાલિકામાં ફરિયાદ પણ કરી હતી, જો કે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહતી. આ દૂષિત પાણી પીવાના કારણે લોકો બીમાર પડવા લાગ્યા અને એક સપ્તાહમાં 3 લોકોના મોત નીપજ્યાં, જ્યારે 20થી વધુ લોકો હજુ પણ ઝાડા-ઉલટી અને તાવ જેવી સમસ્યાથી પીડિત છે.

આ બાબતે અનેક લોકો આવેદન પત્ર આપી ચૂક્યા હતા, પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ કરવામાં આવ્યો નહતો. આખરે કંટાળીને સ્થાનિક લોકોએ એકજૂટ થઈને મનપા વોર્ડ નંબર 8ની કચેરીએ પહોંચીને તોડફોડ કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક લોકોએ આક્રોશમાં ઑફિસમાં કોમ્પ્યુટર, ટેબલ-ખુરશી સહિતના ફર્નિચરને નુક્સાન પહોંચાડ્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે, કોર્પોરેશનનની બેદરકારીના કારણે 3 લોકો મોતને ભેટ્યા છે અને અન્ય લોકો પર બીમારીનો ભોગ બન્યા છે.

(4:57 pm IST)