Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

હેરિટેજ પર્યટન નીતિ જાહેર : મહેલો - કિલ્લા વિકસાવાશે

ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળોને વિશ્વ કક્ષાએ વિકસાવવા વિજયભાઇનું સોપાન : હયાત હેરિટેજ હોટલના રીનોવેશન અને વિસ્તરણ માટે રૂ. ૫ થી ૧૦ કરોડ સુધીની સહાય

રાજકોટ તા. ૧૧ : રાજ્ય સરકારે પ્રથમ વખત હેરિટેજ પર્યટન પોલીસી જાહેર કરી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઐતિહાસિક ઇમારતોને વિકસાવી વિશ્વ કક્ષાએ મૂકવા માટે મહત્વનું સોપાન જાહેર કર્યું છે.

ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસી જાહેર કરવામાં આવી છે. ઐતિહાસિક મહેલો, કિલ્લા, ઈમારતોને લઈને રાજયના મુખ્યમંત્રી દ્વારા એક મોટો નિર્ણય લેવાયો છે. હેરિટેજ હોટલ, મ્યુઝિયમ, બેન્કવેટ હોલ ખોલી શકાશે. ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસીમાં ૧ જાન્યુ. ૧૯૫૦ પહેલાના હેરિટેજ સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પોષાય તેવા દરે સુવિધાયુકત આવાસ મળવાની જાહેરાત કરાઈ છે. ૧થી ૬ રૂમના આવાસનો હોમ સ્ટે તરીકે આપી શકાશે. હોમ સ્ટેને ઘરેલુ પ્રોપર્ટી ટેકસ અને વીજદરમાં લાભ મળશે. રજિસ્ટર્ડ હોમ સ્ટેને સોલાર રૂફ ટોપનો લાભ મળશે. ગુજરાતમાં હાલ ૧૦૦ જેટલા હોમ સ્ટે કાર્યરત હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસી જાહેર કરી છે. જેના લીધે ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકશે. આ જાહેરાતથી દેશ-વિદેશના પ્રવાસીઓને રાજયના ઐતિહાસિક વિરાસતના સ્થાનો, હેરિટેજ પ્લેસીસ નજીકથી જોવા-માણવાનો લ્હાવો મળશે. મુખ્યમંત્રીએ નવી હેરિટેજ ટુરીઝમ પોલીસીને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો.

ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસી જાહેર થતાં ગુજરાતમાં રાજા રજવાડાના ઐતિહાસિક મહેલો, કિલ્લાઓ, દર્શનીય સ્થળો, ઈમારતો, ઝરૂખાઓ, મિનારાઓમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્કવેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ શરૂ કરી શકાશે. ૧ જાન્યુઆરી ૧૯૫ પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્કવેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ બની શકશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષોથી વણ વપરાયેલી રહેલી ઐતિહાસિક વિરાસત, ઈમારતોના પ્રવાસન આકર્ષણ માટે ઉપયોગની નવી દિશા ખોલી નાંખી છે. સ્થાનિક સ્તરે રોજગારની તકોની સાથે વિદેશી પ્રવાસીઓને ગુજરાતનો ઈતિહાસ, સંસ્કૃતિ પ્રવાસન વૈવિધ્યથી પરિચિત કરાવવાનો ટુરીઝમ ફ્રેન્ડલી હોલિસ્ટિક એપ્રોચ કરવામાં આવ્યો છે. હેરિટેજ ટુરિઝમ પોલિસી અન્વયે નવી શરૂ કરાનાર કે હયાત હેરિટેજ હોટલમાં રિનોવેશન એકસપાંશન માટે રૂપિયા ૫ થી ૧૦ કરોડ સુધીની સહાય મળશે.

ગુજરાતની પ્રથમ હેરિટેજ ટુરીઝમ પોલિસીમાં હેરિટેજ હોટલ માટે રૂ.૫થી ૧૦ કરોડ સુધીની સહાય આપવાનો નિર્ણય કરાયો છે. હેરિટેજ પ્લેસના મૂળભૂત માળખામાં કોઈ છેડછાડ નહીં કરાય. હેરિટેજ પ્લેસના મૂળભૂત માળખા કે સ્ટ્રકચરને કોઈ છેડછાડ કર્યા સિવાય આ કામગીરી કરી શકાશે.

હેરિટેજ મ્યુઝીયમ હેરિટેજ બેંકવેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ નવા શરૂ કરવા કે રીનોવેશન રિસ્ટરેશન માટે ૪૫ લાખથી ૧ કરોડ સુધીની સહાય અપાશે. પાંચ વર્ષ માટે ૭ ટકા વ્યાજ સબસિડી મહત્ત્।મ પ્રતિવર્ષ ૩૦ લાખની મર્યાદામાં અપાશે. રાણી કી વાવ, ચાપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ હવે રાજા રજવાડાના મહેલો, કિલ્લાઓ, ઐતિહાસિક વિરાસત મહત્વ ધરાવતી ઇમારતોમાં પણ પ્રવાસન વૈવિધ્યનો ભરપુર લાભ લઈ શકશે.

રાજયના પ્રવાસન- ટુરીઝમ સેકટરને નવી પોલિસીમાં બુસ્ટઅપ મળશે. મુખ્યમંત્રીને વિદેશી હૂંડિયામણથી આવકના વધુ સ્ત્રોત ઊભા કરવાનો વિકાસલક્ષી પ્રેરણાદાયી વિચાર બિરદાવવામાં આવ્યો છે.

(3:21 pm IST)