Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ગુજરાત પોલીસની સૌથી મોટી પોલીસ તાલીમ અકાદમી સુધી કોરોના પહોંચ્યોઃ પ૪ જવાનોના ટેસ્ટ : ૩૦ થી વધુ સંક્રમીત

કોઇની તબિયત ચિંતાજનક નથીઃ તમામને કરાઇ અકાદમીની અલાયદી હોસ્ટેલમાં હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છેઃ અકાદમી વડા વિકાસ સહાય સાથે અકિલાની વાતચીત : હોમ કોરોન્ટાઇન થયેલા રાજયભરના અધિકારીઓ-સ્ટાફ અને તાલીમાર્થીઓને ફરજ પર હાજર ગણવા ગુજરાતની તમામ પોલીસ તાલીમ શાળાના આચાર્યોને વિકાસ સહાય દ્વારા આદેશ અપાયો

રાજકોટ, તા., ૧૧: કોરોનાની મહામારીમાંથી લોકોને ઉગારવા માટે અન્ય લોકોની માફક જેમને ઘેર રહી સલામત રહેવાને બદલે ઘરબહાર રહી અન્યોને સલામત રાખવાની મહત્વની જવાબદારી છે તેવા કોરોના વોરીયર્સ સમા પોલીસ તંત્રના નાના-મોટા અધિકારીઓ તથા કોરોનાની ઝપટે ચડી જવાના પગલે-પગલે ગુજરાત પોલીસની સૌથી મોટી પોલીસ તાલીમની અકાદમી કરાઇ ખાતે ૩૦ થી વધુ પોલીસ જવાનો ઝપટે ચડી જતા ફફડાટ મચી ગયો છે.

ઉપરોકત બાબતે અકાદમીના એડીશ્નલ ડીજીપી કક્ષાના નિયામક સિનીયર આઇપીએસ  વિકાસ સહાયએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે પ્રવર્તમાન પરિસ્થિતિમાં સાવચેતી ખાતર ગાંધીનગર જીલ્લા પંચાયતની ટીમ મારફતે જવાનોના ટેસ્ટ કરાવતા પ૪ જેટલા જવાનોમાંથી ૩૦ થી વધુ જવાનોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા.

સાવચેતી ખાતર તમામ જવાનોને અકાદમીમાં આવેલી હોસ્ટેલમાં હોમ કોરન્ટાઇન કરવામાં આવવા સાથે સમગ્ર અકાદમી તથા આસપાસના વિસ્તારો માટે સાવચેતીના પગલાઓ ભરવામાં આવ્યા હતા. હાલમાં અકાદમીમાં એલઆરડી જવાનો ઉપરાંત પોલીસ ઇન્સ્પેકટર કક્ષાના અધિકારીઓની તાલીમ ચાલી રહી છે. આમ તો અકાદમીમાં નિષ્ણાંત તબીબની સેવા પ્રથમથી જ લેવામાં આવી છે અને તેમના માર્ગદર્શન હેઠળ જ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વિકાસ સહાયએ વિશેષમાં જણાવેલ કે હાલમાં જેઓ પોઝીટીવ આવ્યા છે તેમાં પણ કોઇની તબિયત ચિંતાજનક નથી અને તેઓને પુરતી કાળજી લેવાવા સાથે અન્યોને કોઇ ચેપ ન લાગે તે માટે તમામ પ્રકારના જરુરી પગલાઓ લેવામાં આવ્યા છે.

દરમિયાનમાં હોમ કોરોન્ટાઇન રાજયભરના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તથા તાલીમાર્થીઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવે તેવા પ્રસંગે તમામને ફરજ ઉપર હાજર ગણવા અંગે પણ અધિક પોલીસ મહાનિર્દેશક (તાલીમ) વિકાસ સહાય દ્વારા ગુજરાતભરની અકાદમીને સૂચના આપી છે.

(12:04 pm IST)