Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કલાકારો પહોંચ્યા ગાંધીનગર : અમારૂ કંઇક કરો

ગાઇડ લાઇન સાથે કાર્યક્રમોની છુટછાટ આપવા માંગણી : મુખ્યમંત્રીએ બધાને પ્રેમથી સાંભળ્યા : ટુંક સમયમાં યોગ્ય ઉકેલ લાવવાની ખાત્રી

રાજકોટ તા. ૧૧ : કોરોના સંક્રમણના કારણે લદાયેલા લોકડાઉન બાદ કલાકારોની સ્થિતી સૌથી વધુ ખરાબ બની હોવાની લાગણી સાથે અનેક કલાકારો 'ગુજરાત કલાવૃંદ'ના નેતૃત્વ તળે ગાંધીનગર પહોંચ્યા હતા.

પુરા ગુજરાતમાં ૧૨૦૦૦ થી પણ કલાકારોના આ પ્રતિનિધિ મંડળમાં દરેક જિલ્લામાંથી કલાકારો રજુઆત માટે આવ્યા હતા. કમલમ ગાંધીનગર ખાતે પહેલા ભાજપ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા અને કે.સી.પટેલને મળેલ. બાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને મળી સમગ્ર હકીકતથી વાકેફ કરાયા હતા.

સંસ્થાના હોદેદારો સંજય પંડયા, સનત પંડયા, દેવ ભટ્ટ, ધર્મેશ મકાતી, અભિતા પટેલ, કમલેશ ડોડીયા, કેયુર પોટા વગેરે વિધાનસભા ગયા હતા.

કલાકારો હાલ કેવી સ્થિતીમાં દિવસો પસાર કરી રહ્યા છે તેની વિગતો વર્ણવી હતી. સરકારી ગાઇડ લાઇનને અનુસરીને વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરાઇ હતી. જે સંદર્ભે સરકાર હકારાત્મક હોય ટુંક સમયમાં યોગ્ય રસ્તો કરવાની ખાત્રી ઉચ્ચારવામાં હતી.

૩૩ જિલ્લામાંથી સ્વખર્ચે ગાંધીનગર રજુઆત માટે ગયા હતા. જેમાં જાણીતા ગાયક જીજ્ઞેશ કવિરાજ, રાજલ મણીરાજ બારોટ, અંકુર પઠાણ, ભાવિન પટેલ, કુશલ દીક્ષીત વગેરે સાથે જોડાયા હતા.

નવરાત્રી કાર્યક્રમો ચોકકસ ગાઇડ લાઇન સાથે થવા દેવા અંગે વિચારણા ચાલી રહી હોવાની વાત કરાતા કલાકારોએ હાશકારો અનુભવ્યો હતો. સરકાર દ્વારા ક્રમશઃ મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ચોકકસ ગાઇડ લાઇન સાથે છુટછાટો જાહેર કરવામાં આવે તેવી લાગણી આ કલાકારોએ વ્યકત કરી હતી.

(3:30 pm IST)