Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

બોરસદના ગંજ બજારમાં ઓનલાઇન જુગાર રમાડનાર નવ શખ્સોને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા

આણંદ : આણંદ જિલ્લાના બોરસદ શહેરના ગંજ બજારમાં એક દુકાનમાં કોમ્પ્યુટર મારફતે ગેમ ઉપર ઓનલાઈન જુગાર રમાડી યુવાધનને બરબાદ કરતા નવ શખ્શોને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે ૧૩  નંગ કોમ્પ્યુટર સાથે ૨.૬૬ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોરસદ શહેરના શાકમાર્કેટની પાછળ ગંજ બજારની બાજુમાં આવેલ પુરસોત્તમ પ્લાઝા કોમ્પલેક્ષ ખાતેની ગેમ ઝોન નામની દુકાનમાં કોમ્પ્યુટરના માધ્યમથી ઓનલાઈન ગેમ દ્વારા હારજીતનો જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની ગુપ્ત માહિતી સાયબર ક્રાઈમ પોલીસને મળી હતી. મળેલ માહિતીના આધારે પોલીસની ટીમે કોમ્પલેક્ષ ખાતેની ગેમ ઝોન નામની દુકાનમાં ઓચિંતો છાપો મારતા ચંદ્રેશ રમેશભાઈ પટેલ તથા મિલનપુરી સુરેન્દ્રપુરી ગોસ્વામી સહિતના નવ શખ્શો રંગેહાથ ઝડપાઈ જવા પામ્યા હતા. ચંદ્રેશ પટેલ અને મિલનપુરી ગોસ્વામીએ ભાગીદારીમાં આ ગેમ ઝોન શરૂ કરી અન્ય શખ્શોને બોલાવી કોમ્પ્યુટરમાં પોતાના નામના આઈડી બનાવી બહારથી માણસો બોલાવી માસ્ટર કીંગ નામની ગેમના આઈડી આપી પોતાના આર્થિક ફાયદા સારુ ઓનલાઈન હારજીતનો જુગાર રમી રમાડી રહ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી નવ શખ્શોને ઝડપી પાડયા હતા. જેમાં ચંદ્રેશ રમેશભાઈ પટેલ, હિતેષકુમાર પરસોત્તમભાઈ ચૌહાણ, વિક્રમગીરી ગોસ્વામી, અરબાઝમીંયા આરીફમીંયા મલેક, યકીનમહંમદ શબ્બીરૂદ્દીન મલેક, જ્યંતિભાઈ નટુભાઈ હરીજન, ઉર્વિશકુમાર કાંતિભાઈ પટેલ, ભાનુભાઈ બાબુભાઈ પરમાર અને બિન્દેશ મફતભાઈ પરમાર (તમામ રહે.બોરસદ)નો સમાવેશ થાય છે. જ્યારે મિલનપુરી સુરેન્દ્રપુરી ગોસ્વામી પોલીસને હાથ લાગ્યો ન હતો. પોલીસે દુકાનમાંથી ૧૩ નંગ કોમ્પ્યુટર તથા મોબાઈલ મળી કુલ્લે રૂા.૨,૬૬,૦૫૦નો મુદ્દામાલ જપ્ત કરી ઉક્ત તમામ શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:57 pm IST)