Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

વડોદરાની વાઘોડિયા ચોકડી નજીક કાર ચાલકને આંતરી ત્રણ બાઈક સવાર રોકડ સહીત ફોનની લૂંટ ચલાવી છનનન......

વડોદરા: શહેરની વાઘોડિયા ચોકડી પાસે પણ કાર ચાલકને આંતરી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોનની લૂંટ ચલાવી નાસી છૂટયા હોવાનો બનાવ પાણીગેટ પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે અજાણ્યા ત્રણ બાઈક સવાર શખ્સો વિરૂદ્ધ ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડભોઇના રહેવાસી રમણીકલાલ મકવાણા લુહારી કામનો વ્યવસાય કરે છે અને લોન પર ઇકો કાર ખરીદી હતી. 9 જાન્યુઆરીના રોજ તેઓ ઇકો કાર લઈને વાઘોડિયા રોડ પર આવેલા ખટંબા ગામ પાસે આવેલી સોસાયટીમાં લોખંડની ગ્રીલ બેસાડવા ગયા હતા. જે થકી રૂ. 5,000ની કમાણી થઈ હતી. કામ પતાવી તેઓ પરત ફરતા અમદાવાદથી સુરત તરફના સર્વિસ રોડ ઉપર નંબર પ્લેટ વગરની મોટરસાયકલ ઉપર ત્રણ અજાણ્યા શખ્સો ઉભા હતા. તેમણે કારને ઓવરટેક કરી ઈશારો કરી કારને રોકી હતી. અને "અમે રબારી છીએ તારી ગાડી ના હપ્તા બાકી છે અમે એક યુ-ફાઇનાન્સ કંપનીના માણસો છીએ. કાર મૂકી દે " તેવું જણાવ્યું હતું

ત્યારબાદ જબરજસ્તી કારની ચાવી કાઢી પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 5,000 તેમજ મોબાઈલ ફોન લઈ લીધો હતો. ત્યારબાદ જણાવ્યું હતું કે કાર અમારી પાછળ- પાછળ આવવા દે અને જો ફરિયાદ કરીશ તો તને જીવતો નહીં રહેવા દઈએ તેવી ધમકી આપી નાસી છૂટયા હતા.

(5:50 pm IST)