Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

સુરતના પ્રૌઢ હની ટ્રેપમાં ફસાયાઃ મીનાએ મિત્રતા કેળવી વીડીયો ઉતારી કેશ કરવાની ધમકી આપી ૧૬.પ૦ લાખ પડાવી લીધા

પોલીસે રૂપિયા પડાવનાર ચાર મહિલા ટોળકીને ઝડપી લીધી

ગત 7 ડિસેમ્બર 2022 ના રોજ તે નોકરી ઉપર હાજર હતા. ત્યારે બપોરે 12 વાગ્યે તેમના ફેસબુક મેસેન્જર ઉપર મીના પટેલના આઇડીથી હેલ્લોનો મેસેજ આવતા તેમણે વળતો મેસેજ કર્યો હતો. એક-બે દિવસ મીના સાથે ચેટથી વાત કર્યા બાદ મીનાએ વિડીયો કોલ કરી વાત કરી પોતે સુરતમાં રહેતી હોવાનું જણાવ્યું હતું.

જવેલરીની કંપનીમાં નોકરી કરતા મોટા વરાછાના પ્રૌઢને હનીટ્રેપમાં ફસાવી રેપનો કેસ કરવાની અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી રૂ.16.50 લાખ પડાવનાર ચાર મહિલા સહિતની ટોળકીને વરાછા પોલીસે ઝડપી લીધી છે. જયારે પોલીસ અને પત્રકારની ઓળખ આપી પૈસા પડાવનાર બે હજુ વોન્ટેડ છે. 

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મૂળ અમરેલીના લાઠીના ભાલવાવના વતની અને સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય પ્રોદ્ધ કતારગામ વિસ્તારમાં જવેલરીની કંપનીમાં નોકરી કરે છે. ગત 7 ડિસેમ્બર 2022 ના રોજ તે નોકરી ઉપર હાજર હતા. ત્યારે બપોરે 12 વાગ્યે તેમના ફેસબુક મેસેન્જર ઉપર મીના પટેલના આઇડીથી હેલ્લોનો મેસેજ આવતા તેમણે વળતો મેસેજ કર્યો હતો. એક-બે દિવસ મીના સાથે ચેટથી વાત કર્યા બાદ મીનાએ વિડીયો કોલ કરી વાત કરી પોતે સુરતમાં રહેતી હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ 12મીના રોજ સવારે 11 વાગ્યે મીનાએ વિડીયો કોલ કરી પ્રોદ્ધને બપોરે બે વાગ્યે સીતાનગર ચોકડી મળવા બોલાવતા તે બાઈક લઈ પહોંચ્યા હતા. ત્યાં મીના આવતા પ્રોદ્ધએ તેને બાઈક પર પાછળ બેસાડી તેના કહ્યા મુજબ નજીકની હરિધામ સોસાયટીના એક મકાનમાં બીજા માળે એક રૂમમાં લઈ ગયા હતા. મીના તે રૂમ પોતાની માસીનો છે કહી ત્યાં હાજર એક મહિલા સાથે વાત કરી વૃદ્ધને અંદરના રૂમમાં લઈ ગઈ હતી અને નીચે પાથરેલા ગાદલા પર બેસી વૃદ્ધના કપડાં કાઢી નજીક આવી ત્યારે જ બે યુવાન દરવાજાને ધક્કો મારી અંદર આવ્યા હતા.

તે પૈકી એક યુવાને મીના પોતાની પત્ની અને બીજા યુવાને પોતાની બહેન હોવાનું કહી વૃદ્ધને માર મારી તેમનો ફોન લઈ પુણા પોલીસ મથકમાં ફોન કરતા થોડીવારમાં વધુ એક યુવાન ત્યાં આવ્યો હતો અને વૃદ્ધને ઝાપટ મારી આધારકાર્ડનો ફોટો પાડી તેમજ તેમનો વિડીયો ઉતારી પતાવટ માટે રૂ.7.50 લાખ માંગ્યા હતા. વૃદ્ધેએ પત્નીના દાગીના ગીરવે મૂકી અને બીજેથી વ્યવસ્થા કરી તેમને રૂ.7.50 લાખ આપ્યા હતા.

જોકે, ત્યારબાદ અન્ય બે વ્યક્તિએ પોતાની ઓળખ પત્રકાર અને પુણા પોલીસના કર્મચારી તરીકે આપી મેટરને આગળ ન વધવા દેવાની ધમકી આપી બીજા રૂ.9 લાખ પડાવી લીધા હતા. બનાવને લીધે ગભરાયેલા વૃદ્ધે ટેંશનમાં રહેતા હોય તેમના ભાઈએ પૂછતા તેમણે વાત કરી હતી અને બાદમાં વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસે આ ગુનામાં એક દંપતી, ત્રણ મહિલા અને એક યુવાનની ધરપકડ કરી રોકડા રૂ.5.73 લાખ, સાત મોબાઈલ ફોન અને કાર મળી કુલ રૂ.6,60,400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પકડાયેલ આરોપીઓના નામ

  • (1) ઉત્પલ રમેશભાઈ પટેલ
  • (2) અરવિંદ જીવરાજભાઈ મુંજપરા
  • (૩) તેની પત્ની સંગીતા
  • (4) ભાવનાબેન હીરાભાઈ રાઠોડ
  • (5) રેખાબેન મનસુખભાઈ રાઠોડ
  • (૬) અલ્કા રજનીકાંતભાઈ ગોંડલીયા

પોલીસની પુછપરછમાં ટોળકીએ પહેલી વખત હનીટ્રેપ કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ બનાવમાં પોલીસ અને પત્રકારની ઓળખ આપી પૈસા પડાવનાર બે ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

(6:00 pm IST)