Gujarati News

Gujarati News

News of Thursday, 12th January 2023

વડોદરાના રેસકોર્ષ સર્કલ પાસે રીક્ષા પાછળથી ટકરાતા અન્ય રિક્ષામાંથી દારૂની બોટલો રસ્તા પર પટકાતા ફૂટી

 રિક્ષા અથડાયા બાદ અન્ય રીક્ષામાંથી મુસાફર બહાર પટકાયું: સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા

વડોદરાના રેસકોર્ષ સર્કલ પાસે એક રીક્ષા અન્ય રીક્ષાને પાછળથી ભટકાતા તેમાં મુકેલ દારૂની બોટલો રસ્તા પર અથડાઇને ફુટી હતી. ગોરવા પોલીસ મથકમાં ત્રણ શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં આખી ઘટના સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. જેમાં રિક્ષા અથડાયા બાદ અન્ય રીક્ષામાંથી મુસાફર બહાર પટકાયું હતું. 

સમગ્ર મામલે ગોરવા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, 10 જાન્યુઆરીના રોજ તેઓ ગોરવા પોલીસ મથકમાં હાજર હતા. દરમિયાન તેમને વડોદરા પોલીસ કંટ્રોલ રૂમ તરફથી વર્ધી મળી હતી. જેમાં જણાવાયું હતું કે, રેષકોર્ષ – ઇલોરાપાર્ક અદાણી સીએનજી પંપ પાસે એક રીક્ષાનો અકસ્માત થયો હતો. અને રીક્ષામાં દારૂ છે. આ મામલે સ્થળ પર તપાસ કરાતા રીક્ષા પડી હતી. અને તેની આજુબાજુમાં પ્રવાહી ઢોળાયેલું હતું. જેમાંથી દારૂ જેવી ગંધ આવતી હતી.

 રીક્ષા ચાલકની પુછપરછ કરતા તેણે તેનું નામ લાલચંદ લક્ષ્મણદાસ નેભવાણી (ઉં.45) (રહે-શિવધારા ફ્લેટ્સ, વારસીયા) હોવાનું જણાવ્યું હતું. તથા રીક્ષામાં પડેલા બોક્સમાંથી ભારતીય બનાવટની દારૂની બોટલો મળી આવી હતી. સમગ્ર કાર્યવાહીમાં પોલીસે કુલ મળીને રૂ. 36,800 ને મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને પ્રોહિબીશન એક્ટ અંતર્ગત લાલચંદ લક્ષ્મણદાસ નેભવાણી (ઉં-45) (રહે- કૈલાશધાન સોસાયટી, વારસીયા), દિપક ઉર્ફે કલાલ જયસ્વાલ તથા ચૌધરી (બંને રહે – ખાનપુર, વડોદરા) સામે ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

સમગ્ર ઘટનાના હાલ સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ચાલુ એક રીક્ષામાં પાછળથી અન્ય એક રીક્ષા આવીને ભટકાઇ જાય છે. અને તે બાદ પાછળથી આવીને ભટકાયેલી રીક્ષામાંથી દારૂનો જથ્થો રસ્તા પર પડી ઢોળાય છે. જ્યારે રિક્ષા અથડાયા બાદ અન્ય રીક્ષામાંથી મુસાફર બહાર પટકાયું હતું. સીસીટીવીમાં સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ જોઇ શકાય છે.

(9:36 pm IST)