Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

નાંદોદ તાલુકાના અલગ અલગ ગામોના ખેતરમાંથી કુલ રૂ.૪.૨૪ લાખની ડ્રિપ ઇરીગેશનની પાઇપોની ચોરી થતા ખેડૂતોમાં ફફડાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના વાવડી,માંગરોલ,સુંદરપુરા,વરખડ સહિતના ગામોમાંથી રૂ ૪,૨૪,૦૦૦ની ડ્રિપ ઇરીગેશનની પાઇપોની ચોરી થતા ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર વાવડી ગામની સીમમાંથી  જગદીશભાઇ જશુભાઇ પટેલ(રહે.ચોરા વાળું ફળિયું વાવડી )ના ખેતરના શેઢા ઉપર મૂકેલી ડ્રિપ ઇરીગેશનની પાઇપો કિંમત રૂ.૧,૫૦,૦૦૦ કોઈ ચોર ચોરી કરી જતા જગદીશભાઇ જશુભાઇ પટેલની ફરિયાદના આધારે રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.તથા માંગરોળ ગામના જયદીપસિંહ વિજયસિંહ માંગરોલાના ખેતરના સેઢે મૂકેલી ડ્રિપ ઇરીગેશન પાઈપો કિંમત રૂ.૪૦,૦૦૦ કોઈ ચોર ચોરી જતા જયદીપસિંહની ફરિયાદના આધારે રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે

 સુંદરપુરા ગામના ગણેશભાઈ ડાહ્યાભાઈ વસાવાના ખેતરમાંથી પણ ૯૦,૦૦૦ તથા સોમાભાઈ શામળભાઇ વસાવા( રહે સરપંચ ફળીયુ, સુંદરપુરા)ના ખેતરના શેઢે થી ૭૦,૦૦૦ મળી કુલ ૧,૬૦,૦૦૦ ની ડ્રિપ ઇરીગેશનની પાઇપો કોઈ ચોર ચોરી જતા ગણેશભાઈ ડાહ્યાભાઈ વસાવા ની ફરિયાદના આધારે રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.

તેમજ વરખડ ગામમાં પણ ચોરોએ શૈલેષભાઈ લલ્લુભાઈ પટેલના ખેતર શેઢા ઉપર આવેલા કૂવાની બાજુ માંથી નેટા ડ્રીમ કંપનીના પાઇપોના બંડલ નંગ ૨૦ કિંમત રૂ. ૧૫,૦૦૦ તથા તેમના બાજુમાં આવેલ સંજય ભાઈ કૃષ્ણલાલ રાવ(રહે, પાટણા )ના ખેતરમાંથી ડ્રિપ ઇરીગેશન ની પાઇપો કિંમત રૂ.૧૭,૦૦૦ તથા સંજય ભાઈ અરવિંદભાઈ રાવની ડ્રિપ ઇરીગેશન ની પાઇપો કિંમત રૂ.૧૨,૦૦૦ મળી કુલ ૪૪,૦૦૦ ની પાઇપો ની ચોરી થતા શૈલેષભાઈ લલ્લુભાઈ પટેલની ફરીયાદના આધારે આમલેથા પોલીસે તપાસ હાથ ધરી છે.જ્યારે અમિતભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ (રહે મોટી બક્ષી ખડકી જૈન દેરાસર તા નાંદોદ) ના ખેતરના શેઢા પર થી ડ્રિપ ઇરીગેશનની પાઇપો કિંમત રૂ.૩૦,૦૦૦ની ચોરી થતા તેમની ફરિયાદ ના આધારે આમલેથા પોલીસે તપાસ હાથ ધરી છે.
આમ નાંદોદ તાલુકાના અલગ અલગ ગામોમાં મળી કુલ રૂ.૪.૨૪ લાખની ડ્રિપ ઇરીગેશન ની પાઇપોની ચોરી થતા ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

(10:37 pm IST)