Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

વિસાવદરને જોડતી જૂનાગઢ-અમરેલી-ગીર સોમનાથ મીટર ગેજ રેલ્વે લાઈનો ત્વરીત શરૂ કરવા જબ્બર લોકમાંગ : ચેમ્બર્સની રજુઆત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : ગિરનારની ગોદમાં અને સત્તાધારની સમીપે આવેલ વિસાવદર તાલુકો 78 ગામડા અને 6 નેશનો બનેલો વિશાળ તાલુકો છે. સંપુર્ણપણે ખેતપેદાશ આધારીત છે. જે આજે પણ વિકાસથી વંચીત છે. વિકાસ ઝંખે છે.ત્રણ જીલ્લાને આવરી લેતી એક માત્ર મીટર ગેઇઝ ટ્રેઇન એ આ જીલ્લાઓની ખાસ કરીને વિસાવદર તાલુકાની જીવાદોરી સમાન છે લાઇફ લાઇન છે. બુઝુર્ગ, મહીલા, બાળકો અને સામાન્ય વર્ગના માણસો માટે આશીર્વાદ રુપ છે.સૌરાષ્ટ્રનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પૂ આપાગીગાની જગ્યા-સતાધાર નજીક ગીરમાં  કનકાઇ માતાજી, સાસણ ગિર, તાલાળા ગિર, ટુરીસ્ટોનું પસંદગીનુ સ્થળ દીવ, સોમનાથ મહાદેવ વગેરે સ્થાનો રેલ્વે માર્ગથી તદન નજીક છતા પણ અન્ય વિસ્તાર કરતા કોઇને કોઇ કારણોસર સમયની ઉપેક્ષાને કારણે આ તાલુકો પછાત રહી ગયો છે.

 

  વિસાવદરને સરકાર દ્વારા ધારી-આંબરડીની જેમ સફારી પાર્ક કાંસિયા (નેસ) માં આપી તેમજ રેલ્વે સુવીધા જેમ કે અમરેલી-જુનાગઢ બ્રોડગેઇજ કે જે મંજુર પામેલ છે તેમને તાત્કાલીક કામ શરુ કરાવવા તેમજ કોરોનાને કારણે બંધ પડેલ મીટર ગેઇજ રેલ્વે વ્યવહાર શરુ કરવા વિસાવદર તાલુકા તથા તેમના લગતા બીલખા, સાસણ, તાલાળા, અમરેલી, ખીજડીયા, દેલવાડાનો વિકાસ આ રેલ્વે વ્યવહાર દ્વારા જોડાયેલ છે.આ અંગે જુનાગઢ જીલ્લા સાંસદ રાજેશભાઇ ચુડાસમા તેમજ અમરેલી સાંસદ નારણભાઇ કાછડીયાને રજુઆત કરવામાં આવેલ છે.આ અંગે મીટરગેજ ટ્રેઇન ચાલુ કરાવવા તેમજ બ્રોડગેઇજ અંગે વિસાવદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દીલીપભાઇ કાનાબાર દ્વારા રેલ્વે તંત્રને લેખીત રજુઆત કરવામાં આવેલ છે.

 વિસાવદરને જોડતી મીટરગેજ ટ્રેનો અબાલ-વૃદ્ધ-ગરીબ વર્ગ અને રોજે રોજનુ પેટીયુ રળતા ધંધા-રોજગાર માટે અપડાઉન કરતા લોકો માટે તથા મહિલાઓ માટે અતિ આવશ્યક અને આશીર્વાદરૂપ હોય,રેલ્વે તંત્રએ સહાનુભૂતિપૂર્વક સત્વરે નિર્ણય લઈ વિસાવદરને જોડતી જૂનાગઢ-અમરેલી-ગીર સોમનાથ મીટરગેજ ટ્રેનો શરૂ કરવા ચેમ્બર્સે ભારપૂર્વક રજુઆત કરી છે.

(10:42 pm IST)