Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

ગુજરાત કોંગ્રેસે શપથપત્ર નહીં, માફીપત્ર જાહેર કરવું જોઇએ : જનતાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો : ભાજપ

જનતા ભાજપને જંગી લીડથી જીતાડીને જીતનો ચોક્કો ચોક્કસથી મારશે

અમદાવાદ : સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને કોંગ્રેસ તરફથી શપથ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું. તેના પ્રત્યાઘાત આપતાં ભાજપના પ્રદેશ પ્રવકતા યમલ વ્યાસે જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસે ગુજરાતની ગૌરવશાળી જનતાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઇએ. ગુજરાત કોંગ્રેસે શપથપત્ર નહીં પરંતુ માફીપત્ર જાહેર કરવું જોઇતું હતું

   તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસે આ પહેલાની ચૂંટણીઓમાં વાયદા બજાર કરી પ્રજાને ગેરમાર્ગે દોરવાના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. ઘરનું ઘરના સપના બતાવીને ફોર્મ દીઠ રૂપિયા ઉઘરાવીને ગુજરાતની જનતાના લાખ્ખો રૂપિયા લુંટવાનું મહાપાપ કોંગ્રેસે કર્યું હતું. પરિવારદીઠ સભ્યને નોકરી આપવાના ઠાલા વચનો આપનારી કોંગ્રેસ, કોંગ્રેસ શાસિત રાજયોમાં લોકોની નોકરીઓ છીનવી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ ન્યાય યોજના અંતર્ગત 72,000 રૂપિયા ખાતામાં નાંખવાના વાયદા કર્યા હતા. પરંતુ કોંગ્રેસ શાસિત રાજયોમાં આપેલા પોતાના વચનો કોંગ્રેસ પૂર્ણ નહીં કરીને જનતાને અન્યાય કરવાનું કામ કોંગ્રેસે કર્યું છે

  . ખેડૂતોના દેવા માફ કરવાની પોકળ વાતો કરતી કોંગ્રેસ રાજયોમાં દેવા માફ કરી શકી નથી તેની સામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કિસાન સન્માન નિધિ અંતર્ગત 1,15,000 કરોડ રૂપિયા સીધેસીધા ખેડૂતોના ખાતામાં જમા કરાવીને દેશના અન્નદાતાઓની આર્થિક મદદ કરવાનું કામ કર્યું છે

યમલ વ્યાસે કોંગ્રેસ પર તીવ્ર પ્રહાર કરતાં વધુમાં જણાવ્યું હતું કે, દેશના જૂના પડતર પ્રશ્નોને ભાજપે પોતાના મેનીફેસ્ટો (ચૂંટણી ઢંઢેરા)માં સમાવીને તમામ પ્રશ્નોનું સુખદ ઉકેલ લાવ્યા છે. રામ મંદિર નિર્માણ હોય કે દેશને અખંડ રાખવા માટેના આર્ટીકલ 370ની કલમને નાબૂદ કરવાની વાત હોય, ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં જાહેર કરેલા સંકલ્પો પૂર્ણ કર્યા છે. તેનાથી પણ વધુ ગરીબલક્ષી-પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કાર્યો કરીને રાષ્ટ્ર સેવામાં કાર્યરત છે

(11:52 pm IST)