Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

હાર્દિક પટેલ પગ ખેંચવાનું કામ કરે છે : પાસના પૂર્વ કન્વીનર દિલીપ સાબવા

પાસના કાર્યકર્તાઓએ કોંગ્રેસ સામે બાંયો ચઢાવી : ગત ઓક્ટોબર મહિનામાં પાટીદાર નેતા દિલીપ સાબવા સીઆર પાટીલની હાજરીમાં ભાજપ પાર્ટીમાં જોડાયા હતા

બોટાદ,તા.૧૧ : પાસ વર્સિસ કોંગ્રેસની લડાઈ સાતમા આસમાને પહોંચી ગઈ છે. પાસના કાર્યકર્તાઓએ કોંગ્રેસ સામે બાંયો ચઢાવી છે. ત્યારે સમગ્ર પ્રકરણમાં હજી પણ હાર્દિક પટેલ ચૂપ છે. પાસના સમર્થનમાં હજી સુધી અનેક નેતાઓએ પોતાની ઉમેદવારી કોંગ્રેસ તરફથી પાછી ખેંચી લીધી છે. ત્યારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હજી સુધી મીડિયા સામે આવ્યા નથી. આવામાં પાસના પૂર્વ કન્વીનર દિલીપ સાબવાએ હાર્દિક પટેલ અને કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલ અને કોંગ્રેસ વિરુદ્ધ પાસના પૂર્વ કન્વીનર દિલીપ સાબવાએ કહ્યું કે, હાર્દિક પટેલ સમાજના ખંભે બંદૂક ફોડે છે. તે તકવાદી છે. આંદોલનો કરાવી તોફાનો કરાવવાના કારનામા કોંગ્રેસ કરાવે છે. કોંગ્રેસના તકસાધુઓ દ્વારા સમાજના યુવાનોને ઉશકેરીને ગુજરાતનો માહોલ ખરાબ કર્યો હતો. તો બીજી તરફ, હાર્દિક પટેલ દિલીપ સાબવાને પગે લાગતો ફોટો વાયરલ થવા બાબતે તેમણે જણાવ્યું કે, હાર્દિક પગ ખેંચવાનુ કામ કરે છે.

ઉલ્લેખનીય છે કે, ગત ઓક્ટોબર મહિનામાં પાટીદાર નેતા દિલીપ સાબવા સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. તેઓ પાસના પૂર્વ કન્વીનર છે. અગાઉ પણ દિલીપ સાબવા હાર્દિક પટેલ અને પાસને આડે હાથ લઈ ચૂક્યા છે. તેમજ કોંગ્રેસ પક્ષ વિરુધ્ધ આક્ષેપો લગાવી ચૂક્યા છે. સુરતમાં કોંગ્રેસ અને પાસ વચ્ચેના વિવાદ વચ્ચે મોટા ખબર સામે આવ્યા છે. જેમાં પાસ 'સત્ય પત્ર' બનાવી કોંગ્રેસ પર પ્રહાર કરશે. પાસ સોશિયલ મીડિયા મારફતે લોકો સુધી પહોંચશે અને કઈ રીતે કોંગ્રેસે દગો કર્યો તેની માહિતી લોકોને આપશે. 'સત્ય પત્ર'માં વર્તમાન રાજકીય સ્થિતિનું વર્ણન કરવામાં આવશે. કોંગ્રેસ ૨૦૧૫ માં કઇ રીતે આવ્યું અને કઈ રીતે દગો કર્યો તેનું વિશ્લેષણ તેમાં મૂકાશે. લોકો સત્યતાને જોઈ શકે તેવો પત્ર બનાવાશે અને આજ સાંજ સુધી સત્ય પત્ર બની જશે તેવું અલ્પેશ કથીરિયાએ જણાવ્યું.

(8:42 pm IST)