Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

સરકારી શાળાઓના શિક્ષકોની જેમ ખાનગી શાળાના શિક્ષકોને કોરોનાની રસી આપો : મંડળની પ્રબળ માંગ

મુખ્યમંત્રી વિજયભાઇ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહને સંચાલક મંડળની અપીલ

રાજકોટ તા. ૧૨ : દેશભરમાં દરેક ક્ષેત્રમાં કોરોના વોરિયર્સને તબક્કાવાર રસીકરણનું અભિયાન શરૂ થયું છે. હાલમાં જ્યારે રાજ્ય સરકારશ્રી તરફથી ગુજરાતની તમામ સરકારી શાળાઓના કર્મચારીઓને કોરોના વોરિયર્સમાં સમાવેશ કરી નિઃશુલ્ક કોરોનાની રસી આપવામાં આવે છે ત્યારે રાજ્યની ખાનગી સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોને પણ આ રસીકરણનો લાભ મળે તેવી માંગ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં તબક્કાવાર શાળાઓ શરૂ થઇ રહી છે ત્યારે શિક્ષકો વિદ્યાર્થીઓના સીધા સંપર્કમાં આવી રહ્યા હોય બંનેની સુરક્ષા માટે શિક્ષકોને રસીકરણ આવશ્યક છે. ગુજરાત રાજ્યમાં ૧૫ હજારથી વધુ ખાનગી શાળાઓમાં ફરજ બજાવતા ૫ લાખ શિક્ષકો અને જેમાં રાજકોટ જિલ્લાની ૭૦૦ શાળાના ૨૫ હજારથી વધુ શિક્ષકોને રસીકરણનો લાભ મળે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ખાનગી શાળાના શિક્ષકોને કોરોના વોરીયર્સ તરીકે રસીકરણનો લાભ મળે તે માટે અપીલ કરવામાં આવી છે.

(4:32 pm IST)