Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

વડોદરા:મુંબઈમાં કેરિયર બનાવવા માટે એક જ ઘરમાંથી ચાર બહેનો ઘર છોડીને ચાલી જતા દોડધામ મચી જવા પામી

વડોદરા: મુંબઇની ઝાકઝમાળ જિંદગીથી અંજાઇને ચાર પિતરાઇ બહેનો ઘર છોડીને જતી રહી હતી.પરિવારે ચોવીસ કલાક સુધી તેઓની શોધખોળ કરવા છતાંય કોઇ પત્તો નહી લાગતા છેવટે પોલીસને જાણ કરી હતી.મકરપુરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ચારેય બહેનોને અમદાવાદ કાલુપુર રેલવે  પોલીસની મદદથી શોધી કાઢી  પરિવારને પરત સુપરત કરી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર,મૂળ બિહારના અને વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં રહેતા પરિવારની ચાર બહેનો અભ્યાસ કરે છે.તેમના સગા મુંબઇમાં રહેતા હોય ચારેય પિતરાઇ બહેનો મુંબઇની ઝાકઝમાળભરી જિંદગીથી અંજાઇ ગઇ હતી.અને મુંબઇમાં  પોતાનું કેરિયર બનાવવાની ઘેલછામાં ઘરેથી વડાપાંવ ખાવાનુ કહીને મંગળવારે બપોરે ચારેય બહેનો ઘરેથી રૃપિયા લઇને નીકળી ગઇ હતી.અને ઘરેથી નીકળીને ચારેય બહેનો વડોદરા રલવે સ્ટેશન પહોંચી ગઇ  હતી.પરંતુ,વડોદરા સ્ટેશનેથી મુંબઇની ટ્રેન નહી મળતા ચારેય બહેનો ડાયરેક્ટ મુંબઇની  ટ્રેન પકડવા માટે  અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશને પહોંચી ગઇ હતી.અને રિઝર્વેશનનું ફોર્મ ભર્યુ હતુ.

તરફ ચાર પિતરાઇ બહેનોના  પરિવારે તેઓને  શોધવા માટે સગા સંબંધીએા અને બહેનપણીઓના ઘરે તપાસ કરી હતી.ચોવીસ કલાક સુધી ગૂમ છોકરીઓ નહી મળતા છેવટે પરિવારે મકરપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો.મકરપુરા પી.આઇ.આર..પટેલે ચાર બહેનો એકસાથે ઘર છોડીને જતી રહી  હોવાની વિગતો જાણી તપાસ હાથ ધરી હતી. ચાર બહેનો પૈકી એક બહેન પાસે મોબાઇલ ફોન હતો.અને તે મોબાઇલ ફોન ચાલુ હતો.તેથી,પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે લોકેશન મેળવતા તેઓનું લોકેશન અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મળી આવ્યુ હતુ.જેથી,મકરપુરા  પોલીસે તાબડતોબ  કાલુપુર રેલવે પોલીસનો સંપર્ક કર્યો  હતો.અને ઘર છોડીને જતી રહેલી ચાર બહેનોના ફોટા મોકલ્યા  હતા.કાલુપુર રેલવે પોલીસે ફોટાના આધારે ચારેય બહેનોને શોધી કાઢી હતી.અને તેઓને સમજાવી પોલીસ સ્ટેશનમાં બેસાડી હતી. તરફ છોકરીઓના પરિવારને લઇને મકરપુરા  પોલીસની ટીમ અમદાવાદ પહોંચી  હતી.અને બાળકીઓને લઇને પરત  વડોદરા આવ્યા હતા.

(5:18 pm IST)