Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

દિવસે ગરમી, રાત્રે ઠંડી વચ્ચે હવે માવઠું થવાની આગાહી

રાજ્યભરમાં મિશ્ર ઋતુનો અહેસાસ : ૧૪ ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે, રાજ્યના અનેક વિસ્તારમાં બે વખત કમોસમી વરસાદ પડી ચૂક્યો છે

વડોદરા,તા.૧૨ : અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઠંડીનું જોર ઘટી ગયું છે અને તાપમાનનો પારો પણ ઊંચે આવ્યો છે. એવામાં ગરમી અને ઠંડી બંને અનુભવાઈ રહી છે. હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ, ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણમાં વારંવાર પલટો આવી શકે છે. દરમિયાન કમોસમી વરસાદ પણ પડી શકે છે. ૧૪મી ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. નોંધનીય છે કે પહેલા ગુજરાતના અનેક વિસ્તારોમાં બે વખત કમોસમી વરસાદ પડી ચૂક્યો છે, એવામાં જો ફરી વરસાદ થાય તો ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની સંભાવના છે. હવામાન એક્સપર્ટ્સ મુજબ, આજથી વાતાવરણમાં પલટો આવશે, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દરમિયાન છૂટાછવાયા ઝાપડા પડી શકે છે.

દરમિયાન જો વાદળો વધુ ધેરાશે તો વરસાદ પડી શકે. વાતાવરણમાં પલટો અને માવઠાના કારણે પાકને નુકસાન થઈ શકે છે. એવામાં ખેડૂતોને પાક બચાવવા જરૂરી પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં ઉત્તર અને ઉત્તર-પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બેથી ત્રણ દિવસોમાં તાપમાનનો પારો બેથી ડિગ્રી વધી શકે છે. સાથે ઠંડીનું જોર પણ હવે ઘટવા લાગશે. ગુરુવારે પણ રાજ્યભરમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી ઉપર રહેતા ગરમી વર્તાઈ હતી, જ્યારે લઘુત્તમ તાપમાન ૧૨થી ૧૫ ડિગ્રી વચ્ચે રહેતા રાત્રિ દરમિયાન ગુલાબી ઠંડી અનુભવાઈ હતી.

(7:39 pm IST)