Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

અમદાવાદમાં હેલ્થ કેર વર્કરોમાં કોરોના રસીકરણ પ્રત્યે જાગૃતિ લાવવા કાઉન્સેલીંગ સેશનનું આયોજન

તમામ ભ્રમણાઓ અને ગેરમાન્યતાઓ દૂર કરવા માર્ગદર્શન અપાયું

અમદાવાદ સિવિલ મેડિસીટીમાં 16 મી જાન્યુઆરી થી કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત થઇ છે જેમાં હેલ્થકેર વર્કરોએ પોતે રસીકરણનો પ્રથમ ડોઝ મેળવીને પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

છેલ્લા કેટલાક સમયથી લોકોમાં કોરોના રસીકરણ પ્રત્યેની ગેરસમજ , ગેરમાન્યતાઓ , ભ્રમણાઓ પ્રવર્તી રહી છે. કોરોનાની રસી સુરક્ષીત નથી, કોરોનાની રસીથી ગંભીર આડઅસર થાય છે તેવી અફવાઓમાં આવીને લોકોમાં કોરોના રસીકરણ માટે ગેરસમજ અને ભય ઉભો થઇ રહ્યો છે.

આ તમામ ભ્રમણાઓ અને ગેરમાન્યતાઓ દૂર કરવા માટે આરોગ્ય અને તબીબી શિક્ષણ વિભાગના અધિક નિયામક ડૉ. ગીરીશ પરમાર અને આર.ડી.ડી. ઓફિસ અમદાવાદના ડૉ. સતીષ મકવાણા દ્વારા સિવિલ મેડિસીટીમાં આવેલી વિવિધ હોસ્પિટલ યુ.એન.મહેતા હાર્ટ હોસ્પિટલ, ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ, કિડની હોસ્પિટલ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત તમામ હેલ્થ કેર વર્કરોમાં કોરોના રસીકરણ પ્રત્યે જાગૃકતા આવે તે કાઉન્સેલીંગ સેશનનું આયોજન કરવામાં આવ્યુ હતુ

ગ્રુપ સેશન દ્વારા વેક્સીન ન લેવા માટેના કારણો, ગેર માન્યતાઓ, પ્રવર્તમાન બીમારી વિશેની જાણકારી મેળવવામાં આવી અને ઉપસ્થિત અધિકારીઓ અને નિષ્ણાંતો દ્વારા દરેક પ્રશ્નોની સ્પષ્ટતા કરવામાં આવી હતી જેના થકી ઉપસ્થિત હેલ્થકેર વર્કરો વેક્સિન લેવા મટે પ્રોત્સાહિત થયા હતા

આ કાઉન્સેલીંગ સેશનમાં કોરોના વેક્સિનની ગુણવત્તા , અસરકારકતા, ડ્રગ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા મંજુરી, વેક્સિન લેવી એ કૌટુંબીક અને સમાજ પ્રત્યેની પ્રાથમિક જવાબદારી અને વેક્સિનથી થતી સામાન્ય આડ અસર એ વેક્સીન યોગ્ય રીતે કાર્ય કરી રહી છે તે બાબતોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી

આ સમગ્ર કાઉન્સેલીંગ પ્રક્રિયા દ્વારા રસીકરણ પ્રત્યે જાગૃકતા કેળવીને મોટી સંખ્યામાં હેલ્થકેર વર્કરો દ્વારા કોરોના રસીકરણ માટે સંપૂર્ણ સમંતિ દર્શાવવામાં આવી હતી

(8:43 pm IST)