Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ગાંધીનગર નજીક અલુવામાં સસરા-જમાઈની બાઈક સ્લીપ થતા જમાઈનું સારવાર દરમ્યાન મોત

ગાંધીનગર: જીલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે અલુવા-મુબારકપુર રોડ ઉપર વોટર પાર્ક નજીક બાઈક સ્લીપ થઈ જતાં અલુવાના યુવાનનું મોત નીપજયું છે. આ ઘટના અંગે સાદરા ગામે રહેતાં કુકાભાઈ શિવાભાઈ દંતાણીએ ફરીયાદ નોંધાવી હતી કે તેમની દીકરીના લગ્ન અલુવા ગામે રહેતા હસમુખભાઈ બચુભાઈ દંતાણી સાથે થયા હતા અને તેમના જમાઈ હસમુખભાઈ બાઈક નં.જીજે-૦૯-એએન-૮૮૭૨ લઈને તેઓ મેડાઆદરજ ગામે રહેતા તેમના વેવાઈના ઘરે સામાજીક કામ માટે ગયા હતા. જયાંથી સાંજના સમયે કામ પુરુ કરીને તેઓ અલુવા પરત ફરી રહયા હતા. હસમુખભાઈ બાઈક ચલાવી રહયા હતા અને કુકાભાઈ પાછળ બેઠા હતા. આ સમયે અલુવા-મુબારકપુર રોડ ઉપર જુના વોટરપાર્ક પાસે હસમુખભાઈએ સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ ખાઈ ગયું હતુ અને બન્નેને ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને ખાનગી વાહનમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જયાં હસમુખભાઈની તબીયત લથડતાં ગાંધીનગર સિવિલથી અમદાવાદ સિવિલ ખસેડાયા હતા. જયાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. હાલ તો કલોલ તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. 

 

(4:10 pm IST)