Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

અમદાવાદમાં ઓલિમ્પિકની તૈયારી : મોટેરા સ્ટેડિયમની આસપાસના વિસ્તારોની સરકારી જમીન અનામત રખાશે

સરદાર પટેલ સ્પોર્ટ્સ એનક્લેવ ખાતે ઓલમ્પિક યોજાશે તેનું ગેપ એનાલિસિસ ટેન્ડર બહાર પ્રસિદ્ધ

અમદાવાદ : 1896થી ઓલમ્પિક રમતનું આયોજન થઇ રહ્યું છે પરંતુ આજ સુધી ભારતમાં તેનું આયોજન થયું નથી. અત્યાર સુધી વિકસિત દેશોમાં જ તેનું આયોજન થઇ રહ્યું છે પરંતુ ગત કેટલાક વર્ષોમાં વિકાસશીલ દેશોમાં તેના આયોજનની માંગ તેજ થઇ છે. 2032 સુધી ઓલિમ્પિક્સનો નિર્ણય થઇ ચૂક્યો છે અને આ અનુસંધાનમાં ભારત પ્રબળ દાવેદાર છે.

અમદાવાદ ઓલિમ્પિક ગેમની મેજબાની માટે કમર કસી ચૂકી છે. તેના માટે આગામી 2036ની ઓલમ્પિક્સ અમદાવાદમાં યોજવા માટે સરકારે પૂર્વ તૈયારી શરૂ કરી દીધી છે. સરદાર પટેલ સ્પોર્ટ્સ એનક્લેવ ખાતે ઓલમ્પિક યોજાશે કે કે તેનું ગેપ એનાલિસિસ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.

અમદાવાદના ચાંદખેડા અને મોટેરા સ્ટેડિયમ વિસ્તારમાં આંતરાષ્ટ્રીયકક્ષાના મેદાનો, હોટલ અને રસ્તા સહિતની સુવિધા ઊભી કરવા સરકારી જમીન અનામત રાખવા જિલ્લા કલેક્ટર કચેરીએ શહેરી વિકાસ સત્તામંડળને સૂચના આપી છે. ઔડાના અધિકારીઓએ કહ્યું કે, ઉપરોક્ત વિસ્તારમાં સરકારી જમીન સિવાયના વિવિધ એમિનિટીસ માટે અનામત રાખેલા પ્લોટ પર આયોજન ચાલુ રહેશે.

ઔડાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચાંદખેડા અને મોટેરા સ્ટેડિયમ વિસ્તારમાં ઔડાની હદમાં આવતા ભાટ, ચાંદખેડા, સુઘડ, કોટેશ્વર, મોટેરા અને નાના ચિલોડાના ગામોની સરકારી જમીનના પ્લોટ અનામત રાખવાનો નિર્ણય કરાયો છે.

ઔડાએ ઓલમ્પિક માપદંડના અનુસાર સ્પોર્ટ્સ અને નોન સ્પોર્ટ્સ ઇંફ્રાસ્ટ્રક્ચર એનાલિસિસ માટે ટેંડર જાહેર કર્યા છે. ટેંડર પૂર્ણ થયા બાદ ગેપ એનાલિસિસ રિપોર્ટ સરકારમાં સબમિટ કરવાનો રહેશે. ત્રણ મહિનામાં રિપોર્ટ તૈયાર સોંપવાનો રહેશે. ભારત સરકાર, ગુજરાત સરકાર અને એએમસી અને ઔડા સંયુક્ત રીતે કામ કરશે.

(11:35 pm IST)