Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

‘હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત ગુજરાતથી મધ્‍યપ્રદેશના સતના મોકલેલા 1.50 લાખથી વધુ રાષ્‍ટ્રધ્‍વજ તપાસ દરમિયાન રીજેક્‍ટ થયા

ધ્‍વજના અશોક ચક્ર ખોટી જગ્‍યાએ લગાવવામાં આવ્‍યુઃ કર્ણાટકમાં પણ ખામીવાળા 30 હજાર રાષ્‍ટ્રધ્‍વજને રીજેક્‍ટ કરવામાં આવ્‍યાઃ તપાસ અધિકારી

અમદાવાદઃ ‘હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત સ્‍વ સહાયતા જુથો દ્વારા બનાવવામાં આવેલા રાષ્‍ટ્રધ્‍વજ ખામીવાળા અને આદર્શ ધ્‍વજ સંહિતાના ધોરણો અનુસાર ન હોવાથી ભૌતિક તપાસ કરતા અંદાજે મધ્‍યપ્રદેશના સતનામાં ગુજરાત દ્વારા મોકલેલા 1.50 લાખખથી વધુ ધ્‍વજ રીજેક્‍ટ થયા છે. ધ્‍વજમાં અશોક ચક્ર યોગ્‍ય સ્‍થાને ન હતુ તથા લંબાઇ-પહોળાઇ પણ ખામીયુક્‍ત હતી.

'હર ઘર તિરંગા અભિયાન' અંતર્ગત ગુજરાતથી સતના મોકલવામાં આવેલા 1.50 લાખથી વધુ ધ્વજ રિજેક્ટ કરવામાં આવ્યા છે. સતના કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવેલી ભૌતિક તપાસ બાદ આ ધ્વજને રિજેક્ટ કરી પાછા મોકલવામાં આવ્યા છે. આ ધ્વજ આઝાદી કા અમૃત મહોત્સવના નિમિત્તે ઘરે-ઘરે ધ્વજ ફરકાવવા માટે સતના મોકલવામાં આવ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે, ઘણા ધ્વજમાં અશોક ચક્ર ખોટી જગ્યાએ બનાવવામાં આવ્યું છે તો ઘણા ધ્વજનો આકાર પણ યોગ્ય નથી. તો બીજી તરફ કર્ણાટકમાં પણ ખામી ભરેલા 30 હજારથી વધુ ધ્વજ મળી આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સતના જિલ્લામાં 5 લાખ ઘરોમાં સ્વતંત્રા દિવસ પર ધ્વજ ફરકાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ લક્ષ્યની પ્રાપ્તિ માટે કેટલાક ધ્વજ સ્થાનિક સ્તર પર NRLM (નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન) અંતર્ગત નોંધાયેલ સ્વ-સહાયતા જૂથોની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા, જ્યારે 2 લાખ ધ્વજ ઉપલબ્ધ કરાવવાનો આગ્રહ ભારત સરકાર પાસે સતના જિલ્લા વહીવટીતંત્રએ કર્યો હતો. જોકે, હવે બે લાખ ધ્વજ બનાવવાનું કામ પણ સ્વ-સહાય જૂથોને આપવામાં આવ્યું છે.

આદર્શ ધ્વજ સંહિતાના ધોરણો અનુસાર નથી ધ્વજ

ભારત સરકાર પાસે કરવામાં આવેલા આગ્રહ પર 2 લાખ ધ્વજ ગુજરાતથી સતના મોકલવામાં આવ્યા હતા. આ ધ્વજ લઇને 31 જુલાઈના એક ટ્રક સતના પહોંચ્યો હતો. કલેક્ટર અનુરાગ વર્માએ મહિલા તેમજ બાળ વિકાસ અધિકારી અને હર ઘર તિરંગા અભિયાનના નોડલ અધિકારી સૌરભ સિંહને ધ્વજની ભૌતિક ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે ધ્વજની તપાસ કરવામાં આવી તો ગુજરાતમાંથી મોકલવામાં આવેલા ધ્વજ ઓછા નીકળ્યા અને આદર્શ ધ્વજ સંહિતાના ધોરણો અનુસાર ન હતા.

ધ્વજની વચ્ચે એવી ડિઝાઈન કરવામાં આવી હતી જે જોવામાં લાગતું હતું કે, ધ્વજ લહેરાઈ રહ્યો છે. આ ધ્વજમાં એવી ખામીઓ જોવા મળી હતી. જેથી ગુજરાતથી મોકલવામાં આવેલા ધ્વજના કન્સાઈનમેન્ટને રિજેક્ટ કરી પાછુ મોકલવામાં આવ્યું છે.

ખોટી જગ્યા પર બનાવ્યું અશોક ચક્ર

નોડલ અધિકારી સૌરભ સિંહે જણાવ્યું હતું કે, ધ્વજ માં અશોક ચક્ર યોગ્ય સ્થાન પર બનાવવામાં આવ્યું ન હતું. ધ્વજ લંબચોરસ આકારમાં પણ ન હતો. 1 લાખ 98 હજાર ધ્વજ પહોંચ્યા હતા. જેમાંથી રેન્ડમલી 24 હજાર ધ્વજની તપાસ કરવામાં આવી હતી. ધોરણોની વિરુદ્ધ મળતા ધ્વજની ઊંચી ટકાવારીને હોવાના કારણે કન્સાઈનમેન્ટ પાછુ મોકલવામાં આવ્યું છે.

આ ધ્વજ કયા વેન્ડર અથવા સંસ્થાએ મોકલ્યા હતા, તે સ્પષ્ટ નથી પરંતુ અહીં આવેલા ડિલીવરી ચલાનમાં મોકલનારના નામની જગ્યાએ અરવિંદ લખેલું હતું. નોડલ અધિકારીએ જણાવ્યું કે, 2 લાખ ધ્વજને રિજેક્ટ કર્યા બાદ હવે તેમની તે સંખ્યાના પુરવઠા માટે સ્વ-સહાયતા જૂથની મહિલાઓને કહેવામાં આવ્યું છે. સતનામાં 5 લાખ ધ્વજ ફરકાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કર્ણાટકામાં પોસ્ટ ઓફિસ સુધી પહોંચેલા ધ્વજમાં ખામી જોવા મળી છે. આ મહિનાની શરૂઆતથી શનિવાર સુધી, પોસ્ટ વિભાગને ગુજરાતના વિવિધ વિક્રેતાઓ પાસેથી 30 હજારથી વધુ પોલિએસ્ટરથી બનેલા ધ્વજ મળ્યા છે. સૂત્રોનું કહેવું છે કે તેમાંથી હજારો ધ્વજમાં સિલાઈ અથવા કટિંગ દોષના કારણે ખરાબ છે. કેસરિ, સફેદ અને લીલી ધારો યોગ્ય પ્રમાણમાં નથી. આકાર 3:2 ના પ્રમાણમાં નથી અને અશોક ચક્ર પણ યોગ્ય જગ્યા પર નથી.

(5:10 pm IST)