Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે ગણપતિ વિસર્જન કરવા ગયેલા 3 યુવકો નદીમાં ડૂબ્યા : એકનો મૃતદેહ મળ્યો

સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ; હજુ અન્ય બેની શોધખોળ

સુરત જિલ્લાના માંગરોલ તાલુકાના બોરસરા ગામે કીમ નદીના પુલ ઉપર ગણેશ વિસર્જન માટે આવેલા કીમની પંચવટી સોસાયટીના 3 વ્યક્તિ પાણીમાં ડૂબી જતાં સ્થાનિક પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે અન્ય બેની શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે ઘટના સ્થળેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ખાતે આવેલ પંચવટી સોસાયટીમાં રહેતા રાહુલભાઈ ઠાકરે (26), રોહિત દિગમ્બર (18), ઋષિકેશ દિગમ્બર (13) ગણપતિ સ્થાપનાના પહેલો દિવસ પૂરો થતાં પ્રતિમાના વિસર્જન માટે નજીકમાંથી પસાર થતી કીમ નદીમાં પહોંચ્યા હતા અને માંગરોળ તાલુકાના બોરસરા ગામે કીમ બોરસરા વચ્ચે આવેલ નદીના પુલ પાસે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરતી વેળાએ ઉપરોક્ત ત્રણ વ્યક્તિમાંથી એકનો પગ લપસી જતા નદીમાં ડૂબવા લાગ્યો હતો. જેને બચવા બાકીના બે વ્યક્તિ પણ નદીમાં પડ્યા હતા જોતજોતામાં ત્રણે વ્યક્તિ નદીમાં ડુબી ગયા હતા.

ઘટનાની જાણ થતાં સુરત ઉપરાંત કોસંબા અને અન્ય એક ખાનગી કંપનીનું ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું છે આ ઉપરાંત કોસંબા પીઆઇ બી.કે. ખાચર સહીતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે સ્થાનિક ગ્રામજનો સ્થળ ઉપર પહોંચ્યા છે. એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. હજુ અન્ય બેની શોધખોળ ચાલી રહી છે.

(10:30 pm IST)