Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

આગામી અઠવાડિયે પણ વરસાદી માહોલ જામશે

દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદ નોંધાશે : વલસાડ, દમણ, જૂનાગઢમાં વરસાદ પડવાની આગાહી અમદાવાદમાં પણ આગામી ચાર દિવસ વરસાદ રહેશે

અમદાવાદ, તા.૧૨ : ગુજરાતમાં વરસાદી માહોલ ફરી એકવાર જામ્યો છે, અને આગામી અઠવાડિયા દરમિયાન પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં રાજ્યના ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ સાથે પવન ફૂંકાવાની અને વીજળીના કડાકા-ભડાકા થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે સવારે પણ અમદાવાદ તથા ગાંધીનગરમાં વરસાદી ઝાપટું તૂટી પડ્યું હતું, જ્યારે રાત્રે પણ કેટલાક ઠેકાણે ભારે વરસાદ થયો હતો.

હવામાન વિભાગહી પ્રમાણે અમદાવાદ, ગાંધીનગરમાં નવા અઠવાડિયાના મધ્ય સુધી વરસાદ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ૧૫ તારીખે ગાંધીનગરમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે

આજના દિવસે રાજ્યમાં ખેડા, આણંદ અને વડોદરા સહિત સુરેન્દ્રનગર, અમરેલી અને મોરબીમાં ભારે વરસાદ થશે. જ્યારે રાજ્યના દક્ષિણ ભાગમાં હળવો વરસાદ થવાની આગાહી છે. આ સિવાય સોમવાર, મંગળવાર અને બુધવારે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સોમવારે રાજ્યના સૌરાષ્ટ્ર ભાગમાં જૂનાગઢ, રાજકોટ, પોરબદંર, ગીર સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાશે. આ સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે. નવા અઠવાડિયામાં મંગળવાર તથા બુધવારે ડાંગ, નવસારી અને દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, આ સિવાય બનાસકાંઠા, પાટણ, વડોદરા, નર્મદા, સુરત, તાપી અને સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ થવાની આગાહી છે. જ્યારે મંગળવારે પણ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ દિવસે એટલે કે ૧૫મી સપ્ટેમ્બરે ગાંધીનગર, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને વડોદરામાં પણ ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

(7:32 pm IST)