Gujarati News

Gujarati News

News of Sunday, 12th September 2021

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 180 તાલુકામાં વરસાદ : ઘોઘામાં 3.5 ઇંચ ખાબક્યો : આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી

ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્ય-દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 180 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સૌથી વધારે વરસાદ ભાવનગરના ઘોઘામાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં ભારે વરસાદની આગાહી આપી છે.

રાજ્યમાં ચોમાસાએ ઓગસ્ટ મહિનામાં રાહ જોવડાવ્યા બાદ સપ્ટેમ્બરમાં મેઘરાજા મહેરબાન થયા છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં અત્યારસુધી સીઝનનો 61 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં હજુ 4 દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

હાલમાં રાજસ્થાન અને એને અડીને આવેલા વિસ્તારોમાં લોપ્રેશર સિસ્ટમ તેમજ રાજ્યને અડીને આવેલા અરબી સમુદ્રના દક્ષિણ પશ્ચિમ કાંઠા વિસ્તારોમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. આ બંને સિસ્ટમને પગલે ઉત્તર ગુજરાત ઉપરાંત મધ્ય-દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

(10:30 pm IST)