Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

છોટાઉદેપુરમાં એક સપ્તાહમાં દુષ્કર્મની બીજી ઘટના: મંદબુદ્ધીની યુવતી પર કૌટુંબિક કાકાએ પીંખી નાખી

ખેતરમાં લઇ જઇને વારંવાર દુષ્કર્મ આચરતા :યુવતી ગર્ભવતી થતા ભાંડો ફુટ્યો

છોટાઉદેપૂર જિલ્લામાં એક અઠવાડીયામાં જ દુષ્કર્મની બીજી ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના ગામમાં 27 વર્ષીય એક મંદબુદ્ધીની યુવતી સાથે તેના જ કૌટુમ્બીક કાકા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ખેતરમાં લઇ જઇને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવતું હતું. જો કે યુવતી ગર્ભવતી થઇ જતા સમગ્ર મામલે ભાંડો ફુટ્યો હતો. આ અંગે યુવતીનાં પિતા દ્વારા ક્વાંટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. હાલ તો પોલીસે ફરિયાદ દાખલ કરીને નરાધમને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

આ  અંગે વિગતે મળતી માહિતી અનુસાર ક્વાંટ તાલુકાના એક ગામમાં 27 વર્ષીય મંદબુદ્ધીની યુવતી તેના માતા પિતા સાથે જ રહે છે. જો કે યુવતી ખેતરમાં નાના મોટા કામ કરવા માટે જતી હતી. એક વર્ષ અગાઉ ઘર પાસે જ રહેતા પિતાના ફોઇના પુત્ર પ્રવિણ રાઠવા દ્વારા યુવતીના ખેતરે લઇ જવાઇ હતી. જ્યાં ખેતરે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ આવું વારંવાર થવા લાગ્યું હતું. યુવતીની મંદબુદ્ધીનો લાભ ઉઠાવી તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જો કે થોડા મહિનાઓમાં યુવતીનું પેટ ફુલવા લાગતા તેના પરિવારને ચિંતા થઇ હતી. ડોક્ટરને દેખાડતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

આ અંગે યુવતીને પુછવામાં આવતા તેના જ કૌટુમ્બીક કાકા દ્વારા ખેતરમાં તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. યુવતીના પિતાએ ગામના આગેવાનોને એકત્ર કરીને ન્યાય માંગ્યો હતો. આ મામલે સમાધાન થતા યુવતીના ગર્ભનો નિકાલ કરવા અને તેનો 1.10 લાખ ખર્ચ આરોપીએ ભોગવવાનું સ્વિકાર્યું હતું. જો કે તે નાણા ચુકવ્યા નહોતા. દરમિયાન યુવતીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. જેના પગલે આખરે યુવતીના પિતા દ્વારા બળાત્કારની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

(11:56 pm IST)