Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

રજીસ્ટર્ડ પાંજરાપોળને પોતાની જમીનમાં ઘાસચારો ઉગાડવા સહાય અપાશે : બનાવાશે આત્મનિર્ભર

દુષ્કાળ - અનાવૃષ્ટિમાં પશુધન માટે ઘાસચારાની તીવ્ર અછત ન સર્જાય તે માટે રૂપાણી સરકારનો નિર્ણયઃ ટયૂબવેલ - સોલાર ઇલેકટ્રીકલ પેનલ - ગ્રીન ફોડર બેલર - ચાફકટર - ઇરીગેશન સીસ્ટમ - રેઇનગન કે સ્પ્રીન્કલર તથા પાણી માટેની પાઇપલાઇન માટે પાંજરાપોળને મળશે સહાય

ગાંધીનગર તા. ૧૨ : રાજયની પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી સ્વાવલંબી-આત્મનિર્ભર બનાવવા નવી યોજનાની મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે , ટયૂબવેલ-સોલાર ઇલેકટ્રીકલ પેનલ-ગ્રીન ફોડર બેલર –ચાફકટર – ઇરીગેશન સીસ્ટમ – રેઇનગન કે સ્પ્રીન્કલર તથા પાણી માટેની પાઇપલાઇન માટે પાંજરાપોળને સહાય આપવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ રાજયના પાંજરાપોળ સંચાલકો-મહાજનોએ પાંજરાપોળમાં રખ રખાવમાં રખાયેલા પશુધનને ઘાસચારો મેળવવામાં પડતી મુશ્કેલી અંગે કરેલી રજૂઆત નો સકારાત્મક ત્વરિત પ્રતિસાદ મુખ્યમંત્રીશ્રીએ આપ્યો છે.

હવે, રાજયની આવી રજીસ્ટર્ડ પાંજરાપોળો પોતાની માલિકીની જમીનને ખેતીલાયક બનાવી પાણી, ખાતર અને બિયારણની ઉપલબ્ધતા દ્વારા પોતાની રીતે ઘાસચારો ઉગાડી તેમની પાંજરાપોળમાં નભતા પશુધનને પૂરો પાડી શકશે.

પોતાની માલિકીની જમીન ધરાવતી પાંજરાપોળો જ આ યોજનાનો લાભ લઈ શકશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ટ્યૂબવેલ માટે રૂ. ૧૦ લાખ સુધીની સહાય ૧ થી ૧૦ હેકટર જમીન ધરાવતી રજીસ્ટર્ડ પાંજરાપોળ ને મળી શકશે. સૌર ઉર્જાના ઉપયોગથી વીજ બિલમાં રાહતના અભિગમ સાથે સોલાર ઈલેકિટ્રક પેનલ માટે રૂ. ૮ લાખની મર્યાદામાં સહાય આપવામાં આવશે ચાફકટર માટે ૧.૨૫ લાખ સુધીની સહાય અપાશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, ઉગેલા ઘાસની ગાંસડી બાંધી સ્ટોરેજ માટે ગ્રીન ફોડર બેલર માટે મહતમ રૂપિયા રૂ. ૩.૫૦ લાખ સહાય, ૪ થી ૧૦ હેકટર જમીન ધરાવતી પાંજરાપોળોને અપાશે.

સ્પ્રિન્કલર ઈરીગેશન સિસ્ટમ માટે વધુમાં વધુ પાંચ લાખ સહાય આપવામાં આવશે.

રેઈન ગન ઈરિગેશન સિસ્ટમ માટે રૂપિયા ૩૫ હજારથી.૧.૦૫લાખ સુધી સહાય આપવામાં આવશે. આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરીને લાભ મેળવી શકાશે.પારદર્શી ફૂલપ્રૂફ વ્યવસ્થાથી સહાય મળે તેવો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અભિગમ વ્યકત કર્યો છે.

(10:10 am IST)