Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

અમદાવાદના ડો. વિપુલ પટેલનું લાઇસન્‍સ 3 વર્ષ માટે સસ્‍પેન્‍ડઃ ખાનગી હોસ્‍પિટલમાં કોરોનાના દર્દી પાસેથી પાંચ ગણી વધુ રકમ વસુલતા હોવાનો આરોપઃ હોસ્‍પિટલ અને નર્સીંગ હોમ એસોસિએશને તેમની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી

અમદાવાદઃ શહેરના ડોક્ટર વિપુલ પટેલનું લાઇસન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તેમણે સરકારી ગાઇડલાઇન છતાં પણ કોરોનાના દર્દીઓ પાસેથી રીતસરના નાણા પડાવ્યા હતા. ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા તેમનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. કોરોનાના દર્દીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા, ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

દર્દીઓ પાસેથી લાખો પડાવવાનો આરોપ

તેમના પર કોરોનાના દર્દીઓ પાસેથી લાખો રૂપિયાની રકમ પડાવવાનો આરોપ હતો. આ વાત મેડિકલ કાઉન્સિલની તપાસમાં સાચી પુરવાર થઈ હતી. તેના લીધે તેમની સામે આ પગલાં લેવામાં આવ્યા હતા. તે ખાનગી હોસ્પિટલોમાં તેમના વતી દર્દીઓની ભરતી કરતા હતા અને તેમની પાસેથી પાંચ ગણા કરતાં પણ વધારે રકમ વસૂલતા હતા. આના પગલે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ એસોસિયેશન (એએચએનએ)એ તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તેના પગલે તેમની સામે તપાસ શરૂ થઈ હતી.

મોડસ ઓપરેન્ડી

આહનાના પ્રમુખ ભરત ગઢવીએ જણાવ્યું હતું કે તેમને નવરંગપુરાની પુષ્ય હોસ્પિટલમાં આવેલા કેસમાં ડો. વિપુલ શાંતિલાલ પટેલ દ્વારા દંપતીને દાખલ કરવાના કેસમાં કથિત ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ મળી હતી. ડો. પટેલની ભલામણ પર ત્યાં એક દંપતીને દાખલ કરવામાં આવ્યું હતું, જે તેમની આનંદનગર રોડ પરની પ્રેક્ટિસ ચાલે છે તે હોસ્પિટલમાં હતુ. ડો. પટેલે જણાવ્યું હતું કે તે આ દંપતીને જાણે છે અને તેની સારવારની રકમ ચૂકવશે. તેઓને પાંચ જુલાઈના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ડો. પટેલે ટ્રીટમેન્ટ માટે 4.5 લાખની રકમ ચૂકવી હતી.

જંગી બિલે વિપુલ પટેલનો ભાંડો ફોડ્યો

આ દંપતીનો પુત્ર દેશની બહાર રહેતો હતો અને તેને દંપતીની સારવારનું 19.5 લાખનું બિલ જોઈને આશ્ચર્ય થયુ. તેમા ટોસિલિઝુમાબના સાત શોટનો સમાવેશ થતો હતો. હેલ્થ ઇન્સ્યોરરે બિલ જે નામે હતુ તે મિશન એન્ટરપ્રાઇઝની તપાસ કરી અને તેમા પુષ્ય હોસ્પિટલનું સરનામુ જોયુ. તે હોસ્પિટલે સ્પષ્ટતા કરી કે તેમના સંકુલમાં આવુ કોઈ એકમ ચાલતું નથી. તેના પછી તેમને ડો. પટેલે લગાવેલા ચાર્જની ખબર પડી. આમ આહનાના અધિકારીઓને ખબર પડી હતી કે ડો. વિપુલ પટેલે કૌભાંડ કર્યુ છે.

હોસ્પિટલને પણ ડો. વિપુલ પટેલે વિગતો ન આપી

તેના પગલે હોસ્પિટલના સત્તાવાળાઓએ ડો. પટેલને વિગતો માંગી હતી, પરંતુ તેમણે તેની વિગતો આપી ન હતી. હોસ્પિટલનો દાવો હતો કે તેઓએ તેમણે મોકલેલા બીજા દર્દીના 53,790ની રકમ લેવાની પણ બાકી છે. ડો. પટેલે અપનાવેલી આ પ્રકારની રીતરસમ જોખમી છે અને મેડિકલ વ્યવસાયની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવી હોવાથી તેમનું લાઇસન્સ સસ્પેન્ડ કરવાનું નિર્ણય લીધો.

ઉલ્લેખનીય છે કે ડો. વિપુલ પટેલ સાલ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, શેલ્બી હોસ્પિટલ, સેવિયર હોસ્પિટલ, સંજીવની સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ્સ, મેડિલિંક હોસ્પિટલ અને મેડિસર્જ હોસ્પિટલ સાથે સંકળાયેલા ક્રિટિકલ કેર સ્પેશ્યાલિસ્ટ છે.

(5:29 pm IST)