Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

અમદાવાદમાં સફરજનના બોક્ષ ભરેલા ટ્રકમાંથી ઝડપાયો 20 લાખનો દારૂઃ 2700 નંગ બોટલ સહિત 30.30 લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ રાજસ્‍થાનના 3 શખ્‍સોની ધરપકડ

અમદાવાદ: અંગ્રેજી દારૂની હેરફેર કરવા માટે બુટલેગરો અવનવા કિમીયા અજમાવવાનું શરૂ કર્યું છે. સોલા પોલીસે એસપી રિંગરોડ પર પાર્થ પાર્ટી પ્લોટ પાસેથી સફરજનના બોક્સોની આડમાં જતો અંગ્રેજી દારૂના જથ્થા સાથે 4 આરોપીને ઝડપી લીધા છે. પોલીસે રૂ. 20 લાખની 2700 નંગ અંગ્રેજી દારૂની બોટલો કબ્જે લઈ કુલ રૂ. 30.30 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે.

સોલા પોલીસે ચેકિંગ દરમિયાન બાતમીના આધારે એસપી રિંગરોડ પાર પાર્થ પાર્ટી પ્લોટ પાસેથી કાશ્મીરથી આવેલા સફરજનના બોક્સ ભરેલી ટ્રક રોકી હતી. પ્રથમ દ્રષ્ટીએ ટ્રકમા સફરજનના બોક્સ હોવાનું જણાતું હતું.

પોલીસે બાતમી મુજબ ટ્રકમાં ચેક કરતા સફરજન બોક્સની આડમાં અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સોલા પોલીસે ટ્રકમાં સવાર બરકતખાન સલીમખાન સિંધી (ઉં,25), તાહરખાન નુરાખાન સિંધી (ઉં,24), ફોટાખાન રમદાનખાન સિંધી (ઉં,22) ત્રણે રહે, કોનારા ગામ, જિલ્લો બાડમેર, રાજસ્થાન અને લક્ષ્મણસિંહ હરિસિંહ રાજપુત (ઉં,22) રહે, ઈન્દીરાનગર બાડમેર રાજસ્થાનની ધરપકડ કરી હતી.

પોલીસ તપાસમાં આરોપીઓ રાજસ્થાનથી અંગ્રેજી દારૂનો જથ્થો લઈને આવ્યા હતા. સફરજનના બોક્સની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો પોલીસની નજરમાં આવશે નહીં તેમ માનતા આરોપીઓ ઝડપાઇ ગયા હતા. પોલીસે અંગ્રેજી દારૂની 2700 નંગ બોટલ રૂ.18.80 લાખની, રૂ.2500ની રોકડ, 5 મોબાઈલ ફોન રૂ.47,500ના અને રૂ.10 લાખની ટ્રક મળી કુલ રૂ.30.30 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

(5:46 pm IST)